જૂનાગઢમાં રસ્તા, ગટરનાં સમયસર કામો પુરા ન કરનાર એજન્સી સામે કાર્યવાહી કેમ નથી થતી ?

મનપાનાં તંત્ર વાહકોને પગલા લેવામાં કોની શરમ નડે છે

જૂનાગઢમાં રસ્તા, ગટરનાં સમયસર કામો પુરા ન કરનાર એજન્સી સામે કાર્યવાહી કેમ નથી થતી ?

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરમાં રસ્તાનાં અધુરા કામો, ભુગર્ભ ગટરના આડેધડ ખોદકામ સહિતની વિવિધ કામગીરીના કામો સમયસર પુરા ન કરનાર એજન્સી સામે મનપાના સતાધીશો શા માટે પગલા નથી લેતાં ? તેવો સવાલ આજે જૂનાગઢ શહેરમાં સર્વત્ર ચર્ચાનો વિષય બની ગયો છે. આ સાથે જ લોકોમાં એવો પણ વ્યંગ થઈ રહયો છે કે, શું સતાધીશોને કોની શરમ નડી રહી છે ? જેથી કડક કાર્યવાહી જે તે એજન્સી સામે થતી નથી. જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાઓને લઈને લોકો કાયમી હાલાકીનો સામનો કરી રહયા છે. રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને અવાર નવાર મનપાનાં સત્તાધિશોને રજુઆત અને ફરીયાદો કરવામાં આવે છે. કયાંક અધુરા કામોની ફરીયાદ હોય તો તે પણ લોકો કરતા હોય છે. જયારે પણ લોકો પ્રાથમિક સુવિધા સહીતનાં પ્રશ્ને પદાધિકારીઓ પાસે રજુઆત કરવા આવે ત્યારે સંબંધીત પદાધિકારી ફરીયાદ કરનાર અરજદારની સામે જ જે તે વિભાગનાં કર્મચારી હોય તેને વાત કરી અને આ પ્રશ્નનો નિકાલ તાત્કાલીક કરવા કડક સુચના આપતા હોવાનું પણ જાેવા મળે છે. મનપાનાં જ પદાધિકારી જયારે ફોનથી સુચના આપી હોય ત્યારે અરજદારને એમ થાય કે હવે તો આપણું કામ થઈ જ જશે. અને આપણો પ્રશ્ન પણ હલ થઈ જશે. પરંતુ એમ થતું નથી. પદાધિકારીની સુચના હોવા છતાં પણ કામો થતા ન હોવાનાં એક નહીં અનેક દાખલા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ગમે ત્યારે રસ્તા ખોદી નાખવા, પાઈપ લાઈનો નાખવી કે અન્ય કારણસર રસ્તા તોડવા જેવા કામો થતાં જ રહે છે. લોકો ફરીયાદો કરે પરંતુ કંઈ વળતુ નથી. અને જેના કારણે એક એવુ ચિત્ર પણ ઉપસ્યું છે કે જૂનાગઢમાં એક વાર વર્ક ઓર્ડર અપાઈ ગયા પછી કામ કરતી એજન્સી પાસે પદાધિકારીઓનું કાંઈ ઉપજતું નથી તેવી ચર્ચા આજે લોકોમાં ઉઠવા પામી છે. શહેરનાં રસ્તા તોડવા સહીતની અણઘડ કામગીરીને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. ચોમાસુ નબળુ રહયુ છે. અને તેની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. તેમજ આગામી નવરાત્રી અને દીવાળીનાં તહેવારો નજીક આવી રહયા છે ત્યારે શહેરનાં રસ્તાઓનાં કામો ઝડપભેર પૂર્ણ કરી લેવાની જરૂર છે. રસ્તાનાં કામો પૂર્ણ થાય અને સુવિધા આપનારા રસ્તા બની જાય તો લોકોને તહેવારો દરમ્યાન પરેશાનીનો સામનો ન કરવો પડે. પરંતુ જૂનાગઢમાં દરેક વિસ્તારનાં રસ્તાઓ કયારે બનશે તેવો ચીંતાજનક સવાલ ઉઠવા પામ્યો છે.
આ દરમ્યાન જાણકાર સુત્ર દ્વારા મળતી વિગત એવી છે કે શહેરનાં તમામ માર્ગો તેમજ શેરી, ગલીઓ સહીતનાં રસ્તાની કામગીરી માટેનું બે એજન્સીને કામ આપી દેવામાં આવેલ છે. મળતી વિગતો અનુસાર બહાર ગામની ૧ એજન્સીને બે ટેન્ડરો પાસ થયા હતા જયારે સ્થાનિક ૧ એજન્સીને એક ટેન્ડર પાસ થયું હતું. બન્યું એવું કે સ્થાનિક એજન્સીએ પોતાને મળેલ કામ પણ બહાર ગામની એજન્સીને સોંપી દીધું હતું તેવી ચર્ચા છે પરંતુ એ એજન્સીને કામ પુરૂ થઈ શકતું ન હતુ તેથી ફરી પાછુ સ્થાનિક એજન્સીએ કામ પોતાના હસ્તક રાખી લીધું હોવાની ચર્ચા છે. દરમ્યાન શહેરમાં પપ કિમીથી વધારેના મુખ્ય રસ્તા બનાવવાનાં છે. તેમજ શેરી, ગલીઓનાં રસ્તા અલગ અને આ બધી જ કામગીરી પૂર્ણ થતાં ઘણો સમય લાગે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરનાં જવાહર રોડનું કામ ઘણા સમય સુધી ચાલ્યુ હતું. અને બાકી રહેલો રસ્તો બનાવવાનું હાલ શરૂ થયુ છે. આ ઉપરાંત જેલ રોડથી મજેવડી દરવાજા સુધીનાં રોડનું કામ પણ લાંબો સમય ચાલ્યુ છે. આ સાથે જ ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અંતર્ગત રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં માર્ગ ઉપર ખોદકામ કરવામાં આવશે અને આ કામગીરી પુરી થયા બાદ રસ્તાનું કામ થાય અને તેને પણ સારો એવો સમય લાગી શકે છે. અગાઉનાં સમયમાં જૂનાગઢ મનપા દ્વારા રસ્તા સહીતની કામગીરી માટે અલગ અલગ એજન્સીને કામ આપવામાં આવતું હતું અને જુદી જુદી એજન્સીઓ પોતાને મળેલ કામ તબકકાવાર કરતી અને પુરા પણ થઈ જતા હતાં પરંતુ મોટા ભાગના કામો એકથી બે એજન્સીને જ સોંપી દેવામાં આવેલ છે ત્યારે શહેરનાં કામો સમયસર કયારે પુરા થશે ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. તેમજ સમયસર કામો પુરા ન કરનાર એજન્સી સામે પણ મનપાના તંત્ર વાહકો કેમ પગલા નથી લેતા ? તે પણ મોટો પ્રશ્ન છે.