ટેરિફને કારણે ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી : ટ્રમ્પની જાહેરમાં કબુલાત

ટેરિફને કારણે ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી : ટ્રમ્પની જાહેરમાં કબુલાત
POLITICO

(એજન્સી)     વોશીંગ્ટન તા.૧૩: 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર કર્યો છે કે, મારા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ભારત સાથે અમેરિકાના સંબંધોમાં 
તણાવ પેદા થયો છે. ટ્રમ્પે કહ્યું હતું કે રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત સામે ટેરિફ લાદવાથી અમારા સંબંધોમાં તિરાડ પડી છે.
અમેરિકના પ્રમુખે એ પણ સ્વીકાર્યું હતું કે ભારત સામે ૫૦ ટકા ટેરિફ લાદવાનો ર્નિણય સરળ નહોતો. તે સાથે, ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાના પોતાના દાવાને પુનરાવતિર્ત કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ભારત સામે ટેરિફ અને સંબંધોમાં તણાવ વિશે વાત કરી હતી. આ વિશે વધુ વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારત રશિયન ઓઇલનો મોટો ગ્રાહક છે. મેં ભારત પર ૫૦ ટકા ટેરિફ એટલા માટે લાદ્યો છે કેમ કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. ભારત સામે ટેરિફનો ર્નિણય લેવો સરળ નહોતું. આ એક મોટી વાત છે કેમ કે તેના લીધે અમેરિકા-ભારતના સંબંધોમાં તિરાડ ઊભી થઈ છે.
ભારતીય માલ પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા બાદથી અમેરિકા-ભારતના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે વારંવાર ભારત વિરુદ્ધ આક્રમક નિવેદનો આપ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. યુક્રેન યુદ્ધ રોકવા અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર કડક કાર્યવાહી કરવાના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું, મેં આ પહેલાથી જ કર્યું છે.