વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવ્ય શણગાર અને વિશેષ પ્રાર્થના
"આશીર્વાદનો દીવડો" અને શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ૧૧,૧૧૧ દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતીનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૭
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે દાદાને ગુલાબી અને સફેદ રંગના કમળ ફૂલની ડિઝાઇન વાળા આકર્ષક વાઘાઅને ભવ્ય શણગાર ધરવામાં આવ્યો છે.દાદાના ગર્ભગૃહમાં અયોધ્યાનું શ્રી રામ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, કેદારનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિરના પ્રતીકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખીસાથે સુશોભન કરવામાં આવ્યું હતું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાદિર્ક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા દાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી કે, શ્રી હનુમાનજી મહારાજની કૃપાથી વડાપ્રધાનને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રસેવા માટે સદૈવ અસીમ ઊર્જા પ્રાપ્ત થતી રહે તથા ભારત માતાની સેવામાં તેમનું જીવન સદૈવ યશસ્વી અને પ્રેરણાદાયી બને. મહત્વનું છે કે આજના આ શુભદિન નિમિત્તે સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે ભવ્ય "આશીર્વાદનો દીવડો" અને શ્રમદાન કાર્યક્રમનું સમય: સાંજે ૫:૦૦ કલાકેઆયોજન સાળંગપુર ખાતે કરવામાં આવ્યું છે. ૧૧,૧૧૧ દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતી કરવામાં આવશે.આ દિવ્ય અને સેવાયજ્ઞ પ્રસંગે રાજકીય આગેવાનો, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ સેવાયજ્ઞમાં સહભાગી થવા માટે આયોજકો દ્વારા સૌ નાગરિકોને સાદર ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


