વડાપ્રધાન મોદીએ સ્મિત મચ્છર સાથે વાત કરી : કેપ્ટને કહ્યું - ‘હુમલો થયો ત્યારે હું હનુમાન ચાલીસા બોલતો હતો’ - વાતચીતના અંતે ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યું
નવી દિલ્હી તા.ર
વડાપ્રધાન મોદીએ ભારતના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પીએમ મોદીને તે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે તેમને હિંમત કેવી રીતે મળી. બીજી તરફ વડાપ્રધાને તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના વહેલા સ્વસ્થ થવાની કામના કરી.
વડાપ્રધાને કેપ્ટન સ્મિતને કહ્યું, ‘આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારા અને તમારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજનનો જાપ કરવામાં આવી રહ્યો છે. તમારા સાહસ, સમજદારી અને સંયમને કારણે અનેક લોકોના જીવ બચ્યા. દેશ ગર્વથી કહી શકે છે કે ભારતીયો એવા નથી જેઓ બીજાના જીવ લે છે, પરંતુ તેઓ એવા છે જેઓ બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર રહે છે. ‘ઘટનાના દિવસે પણ પીએમ મોદીએ કેપ્ટન મચ્છરની પ્રશંસા કરી હતી. તેમણે એક્સ પર લખ્યું હતું કે ગઈકાલે બનેલી ઘટનામાં કેપ્ટન સ્મિતે જે ધૈર્ય, સમજદારી અને સાહસનો પરિચય આપ્યો, તેણે દેશને ગૌરવથી ભરી દીધો. તેમણે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં અસાધારણ બહાદુરી અને દૃઢતા દર્શાવી. પીએમએ તેમની બહાદુરીને સેંકડો લોકોના જીવ બચાવનાર પગલું ગણાવ્યું.


