પાકિસ્તાનની બેવડી ચાલ : એક તરફ મધ્યસ્થી બનવાનો ડોળ, બીજી તરફ ઈરાનને ગુપ્ત મદદ કરી
નવી દિલ્હી તા.12
પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં સતત રોકાયેલું છે. ૫રંતુ આ દરમ્યાન એવું બહાર આવ્યું છે કે પાકિસ્તાને બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાનને પાછળના દરવાજાૅ પર સહાય પૂરી પાડી હતી. પાકિસ્તાને ગુપ્ત રીતે ઈરાનના લશ્કરી વિમાનોને તેના એક એરબેઝ પર રહેવાની મંજૂરી આપી હતી.
સીબીએસ ન્યૂઝે યુએસ અધિકારીઓને ટાંકીને આ વાત કહી હતી. અહેવાલ મુજબ, એપ્રિલની શરૂઆતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી તરત જ ઈરાને તેના ઘણા વિમાનો પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ (રાવલપિંડી) પર મોકલ્યા હતા.
ઈરાન દ્વારા નૂર ખાન એરબેઝ પર તૈનાત કરાયેલા વિમાનમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ એરક્રાફટનો સમાવેશ થતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાને સંભવિત યુએસ હુમલાઓથી બચાવવા માટે પાકિસ્તાનમાં તેના બાકીના લશ્કરી વિમાનો છુપાવ્યા હતા.
યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે, જો આ અહેવાલ સાચો હોય, તો મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ઇઝરાયલ અંગે ભૂતકાળમાં કરાયેલા નિવેદનોને ધ્યાનમાં રાખીને, તેમને આ સમાચારથી આર્શ્ચ થયું નથી.


