હે રામ... ભગવાનને અર્પણ કરેલો હાર, ચરણ પાદુકા, 60 કિલો ચાંદીની ઈંટોનો કોઈ પત્તો નથી
અયોધ્યા રામમંદિર દાન ચોરી કેસમાં રપ લોકો સામે કાર્યવાહી થશે ટ્રસ્ટના મહાસચીવ ચંપક રાય, ટ્રસ્ટીઓની ધરપકડના ભણકારા
અયોધ્યા તા.20
રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી ૨૫ લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
શનિવારે છઠ્ઠા દિવસની તપાસ પૂરી કરીને SIT લખનઉ પરત ફરશે. એવું માનવામાં આવે છે કે સોમવારે સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. સૂત્રો અનુસાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્ર સામે કાર્યવાહી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બંનેને પદ પરથી હટાવવામાં આવી શકે છે.
આ ઉપરાંત, મંદિરના નિર્માણ પ્રભારી ગોપાલ રાવને પણ પદ પરથી હટાવવામાં આવી શકે છે. શુક્રવારે SIT એ મંદિર પરિસરમાં લગભગ 6 કલાક સુધી તપાસ કરી. ટીમે ચંપત રાય, અનિલ મિશ્ર અને ગોપાલ રાવની અલગ-અલગ પૂછપરછ કરી.
અયોધ્યાના રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) હવે એવા દાતાનો સંપર્ક કરી રહી છે, જેમણે મંદિર ટ્રસ્ટના કોઈ કર્મચારીને ઘરેણાં સોંપ્યા હતા. SIT પોતાના રિપોર્ટમાં આ હકીકતનો સમાવેશ કરશે કે ક્યારે અને કોના હાથમાં ઘરેણાં સોંપવામાં આવ્યા હતા. કોઈ રસીદ આપવામાં આવી હતી કે નહીં.
SITએ મુંબઈના એક વેપારી અનિલ વિશ્વકર્માનું નિવેદન નોંધ્યું. વેપારીનો આરોપ છે, ‘અમે રામલલ્લા માટે 3 કિલો ચાંદીનો હાર અને 1 કિલો ચાંદીની ચરણ પાદુકા ટિન્નુ યાદવને સોંપી હતી, પરંતુ મંદિર તરફથી કોઈ રસીદ મળી નહોતી.’ આ જ રીતે, 60 કિલો ચાંદીની ઈંટ દાન કરનાર ‘ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન‘ના નોર્થ ઇન્ડિયા હેડ અનુરાગ રસ્તોગીનું કહેવું છે કે તેમની ચાંદીનો પણ હજુ સુધી કંઈ પત્તો લાગ્યો નથી.


