રાજકોટના શાપર-વેરાવળમાં 77 વર્ષના વૃધ્ધ રાજવીને બંધક બનાવી રૂા.2.49 કરોડની સનસનીખેજ લૂંટ

ચારથી પાંચ બુકાનીધારીએ શાપરના ભૂતપૂર્વ રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી રૂા.2.47 કરોડની રોકડ રકમ, રૂા.2 લાખના દાગીના, રાયફલ, મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર

રાજકોટના શાપર-વેરાવળમાં 77 વર્ષના વૃધ્ધ રાજવીને બંધક બનાવી રૂા.2.49 કરોડની સનસનીખેજ લૂંટ

રાજકોટ. તા.20
રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દેનારી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. શાપરમાં રહેતા 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં બંધક બનાવી, હથિયારધારી બુકાનીધારી લૂંટારૂઓ 2.47 કરોડ રૂપિયાની રોકડ રકમ, 2 લાખના દાગીના, રાયફલ અને મોબાઈલ ફોન સહિત કુલ 2.49 કરોડની સનસનીખેજ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથક સહિત રાજકોટ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ ચોંકાવનારી ઘટના ગત મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. શાપર સ્ટેટના મોભી જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 77) ગઈકાલે શાપરમાં આવેલા નિવાસસ્થાને ઘરમાં એકલા હતા.
તેઓ રાતે નિંદ્રાધીન થયાં બાદ મોડી રાત્રીના ૫ાંચ જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો લોખંડના પાઈપ સહિતના ઘાતક હથિયારો સાથે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન અવાજ થતાં 77 વર્ષીય વૃધ્ધ રાજવી અચાનક જાગી ગયા હતા. ઘરના મોભી જાગી જતાં લૂંટારૂઓની ટોળકીએ હિંસક વલણ અપનાવ્યું હતું અને તેમને હથિયાર બતાવી કાબૂમાં લઈ લીધા હતા.