હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજાે પાસેથી ઈરાન દ્વારા થઈ રહેલી વસુલાત સ્વીકાર્ય નથી - સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહે : ટ્રમ્પ
(એજન્સી) તેહરાન, તા.૧૦:
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ કરાર અમલના ગણતરીના કલાકોમાં જ જોખમમાં મુકાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરો પાસેથી ગેરકાયદેસર ફી વસૂલીને ઈરાન કરારની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના આ વલણને અપમાનજનક ગણાવ્યું છે. વ્હાઇટ હાઉસના મતે, ઈરાની સેના જળમાર્ગ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી વસૂલાત કરી રહી છે, જે અમેરિકાને કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી.બીજી તરફ, ઈરાનની સૈન્ય ગતિવિધિઓએ આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવ્યો છે. અહેવાલો મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક માર્ગ પર લેન્ડમાઈન્સ બિછાવી દીધી છે, જે તેલ પરિવહન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન પોતાની આ દબાણની રાજનીતિ અને લશ્કરી હસ્તક્ષેપ તાત્કાલિક બંધ નહીં કરે, તો યુએસ આર્મી અગાઉ કરતા પણ વધુ ભયાનક તાકાત સાથે ઈરાન પર હુમલો કરશે. આ સ્થિતિને કારણે તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.


