૪પ ડીગ્રી તાપમાન સાથે પ્રયાગરાજ દેશનું સૌથી ગરમ શહેર
(એજન્સી) નવી દિલ્હી તા.રપ
દેશના ઘણા ભાગોમાં લૂનો પ્રભાવ અત્યંત ઉષ્ણ બની રહ્યો છે. દેશમાં શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૌથી વધુ તાપમાન 45.2°C નોંધાયું હતું. જ્યારે મહારાષ્ટ્રના અકોલામાં પારો 45°C, અમરાવતીમાં 44.8°C રહ્યો હતો. રાજસ્થાન સહિત 5 રાજ્યોના 14 શહેરોમાં પારો 44°C ને પાર કરી ગયો છે. યુપીના આગ્રા, મથુરા, ફિરોઝાબાદ અને મૈનપુરીમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી મજૂરોના કામ પર પ્રતિબંધ છે. કાનપુરમાં 45 વર્ષીય સુનીલ કુમારનું બાઇક પર હીટ સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું. હવામાન વિભાગે 17 જિલ્લાઓમાં વોર્મ નાઇટ અને 60 જિલ્લાઓમાં લૂનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઓડિશાના 18 શહેરોમાં પારો 40°Cથી વધુ નોંધાયો હતો. ઝારસુગુડામાં તાપમાન 44.8°C રહ્યું હતું. હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે સોમવારથી રાજ્યની તમામ શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.
મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં લૂનું એલર્ટ છે. જ્યારે નર્મદાપુરમ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.


