અંતરિક્ષ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ ઈસરો દ્વારા નવી પેઢીનાં NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

અંતરિક્ષ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ ઈસરો દ્વારા નવી પેઢીનાં NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટા,તા.૩૧
અંતરિક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરતા નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહ (NVS-03 )નું સફળ પ્રક્ષેપણ કર્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) દ્વારા આ નેવિગેશન ઉપગ્રહને GSLV-F18 રોકેટની મદદથી રાત્રે ૧૧:૫૧ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહનું લોન્ચિંગ ભારતની પોતાની સ્વદેશી નેવિગેશન પ્રણાલી ‘NavIC‘ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રણાલી ઉપગ્રહોની અછતનો સામનો કરી રહી હતી.
આ નવો ઉપગ્રહ ભારતની નેવિગેશન વ્યવસ્થાને વધુ મજબૂત અને સચોટ બનાવશે. આ તકનીકના માધ્યમથી સમગ્ર દેશ ઉપરાંત ભારતની સરહદથી ૧૫૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં સચોટ સ્થાન અને માહિતી મેળવી શકાશે. આ ઉપગ્રહની ક્ષમતાઓનો ઉપયોગ દરિયાઈ વાહનવ્યવહાર, માર્ગ પરિવહન અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે કરવામાં આવશે. આ પ્રણાલી વધુ સક્ષમ બનવાથી ભારતની અમેરિકાની ‘જીપીએસ‘ સિસ્ટમ પરની ર્નિભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે. NVS-03 એ ભારતની પ્રાદેશિક નેવિગેશન પ્રણાલીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. આ નવા ઉપગ્રહમાં વિદેશથી આયાત કરાયેલી અત્યાધુનિક પરમાણુ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે. આ સફળતા બાદ ઈસરો દ્વારા આગામી સમયમાં NVS-04 અને NVS-05 ઉપગ્રહો લોન્ચ કરવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિતેલા સમયમાં કેટલીક તકનીકી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. જુલાઈ મહિનામાં સરકાર દ્વારા સંસદમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે નાવિક સિસ્ટમના માત્ર ૩ ઉપગ્રહો જ સક્રિયપણે કામ કરી રહ્યા છે, જ્યારે આ સિસ્ટમને યોગ્ય અને સુચારૂ રીતે કાર્યરત રાખવા માટે ઓછામાં ઓછા ૪ સક્રિય ઉપગ્રહોની અનિવાર્ય જરૂરિયાત હોય છે.