અમેરીકાએ પલ્ટી મારી : પીઓકે અને અકસાઈચીનને ભારતનો ભાગ ગણાવતો નકશો પાછો ખેંચ્યો

અમેરીકાએ પલ્ટી મારી : પીઓકે અને અકસાઈચીનને ભારતનો ભાગ ગણાવતો નકશો પાછો ખેંચ્યો

નવી દિલ્હી તા.૧૧:
ભારત અને અમેરિકા વચ્ચેની વચગાળાની વ્યાપાર સમજુતીનું સંયુક્ત નિવેદન જાહેર થયું અને તેની સાથે અમેરિકાએ પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર તથા અક્સાઇ ચીન વિસ્તારને પણ ભારતનો ભાગ દર્શાવતો નકશો જાહેર કરતા જ ભારતને એક મોટી ડિપ્લોમેટીક સફળતા મળી રહી હોવાના સંકેત મળ્યા હતા.
અત્યાર સુધી અમેરિકા પાક કબ્જાના કાશ્મીર અને જે ક્ષેત્ર પર ચીનનો કબ્જો છે તે અક્સાઇ-ચીન વિસ્તાર પણ વિવાદી પ્રદેશ ગણતું હતું અને ભારત-પાક યુદ્ધમાં તે મધ્યસ્થી પણ કરી ચૂકયુ છે તે સમયે અચાનક જ અમેરિકી વલણમાં આવેલો આ ફેરફાર એક સુખદ આશ્ચર્ય હતું પણ તે હવે લાંબુ ટકયું નથી. અમેરિકી વ્યાપાર વિભાગે જે રીતે ટ્રેડ ડીલ સમયે ભારતનો જે નકશો જાહેર કર્યો હતો તે પાછો ખેંચી લીધો છે. અમેરિકાનું આ યુ-ટર્ન સૂચક છે. જો કે આ નકશો જયારે જાહેર થયો તે સમયે પણ આશ્ચર્ય થયું હતું અને ભારત સરકારે પણ કોઈ પ્રતિભાવ આપવામાં ઉતાવળ કરવાનું પસંદ કર્યુ નહી તે પણ સંકેત છે કે અમેરિકી વ્યાપાર વિભાગે શું દેશના સતાવાર વલણમાં ફેરફારનો સંકેત આપ્યો છે.
પાક. માટે આ એક આંચકો હતો કે તે જે રીતે કાશ્મીર પર દાવો કરે છે. તેને ફટકો પડતો હતો. ચીનને પણ આ રીતે સંદેશ જતો હતો પણ એક વર્તુળ માનતુ હતું કે અમેરિકી વ્યાપાર વિભાગે ‘ભુલ‘ કરી છે.