અરે.. બાકી કુછ બચા.. તો મહેંગાઈ માર ગઈ.!! જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની વિવિધ બજારોમાં મંદીનું ગ્રહણ
જીવન જરૂરીયાતની ચીજવ્સ્તુઓનાં વધી રહેલા ભાવોને પગલે ‘ઘરાકી’ ઘટી
જૂનાગઢ તા. 18
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં હાલ મંદીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ બજારોમાં ઘરાકીનું પ્રમાણ ઘટી રહું છે. લોકો જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓની ખરીદી કરી રહયા છે અને બજારોમાં પાંખી ઘરાકી રહેતી હોવાની બુમ ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક સમયમાં સૌરાષ્ટ્રની બજારોમાં એક નજર નાખીએ તો સોના-ચાંદીની બજારો, કાપડ બજાર, કરીયાણા બજાર સહીતની બજારોમાં આ વર્ષે ખરીદીનું પ્રમાણ ઘટયું હોવાનું તારણ છે. સતત ને સતત વધતા જતાં ભાવોને કારણે સામાન્ય માનવીનું બજેટ આજે ખોરવાઈ ગયું છે. આ વર્ષનાં લગ્નગાળાનાં ભરપુર માસ માગસર, મહામાસ, વૈશાખમાં પણ જાેઈએ તેવી ઘરાકી નીકળી નથી. ઘણાં સમય થયા ચાલતા ઈરાન, ઈઝરાયલ, અમેરિકા યુધ્ધનાં કારણે પરિસ્થિતી વિકટ બની રહી છે. મધ્ય પુર્વમાં ચાલી રહેલા તણાવને પગલે પેટ્રોલ, ડીઝલ, સીએનજી ઉ પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર પડી રહી છે. અને જેના પગલે તમામ ચીજવસ્તુઓનાં ભાવો દિવસે ને દિવસે વધતા જશે અને મોંઘવારીનાં ભરડામાં સામાન્ય માણસ પીસાતો જશે. આજે લીંબુનાં ભાવ કિલોનાં રૂા.120 થી 150 છે. બટાકા, રીંગણા, ગુવાર, તુરીયા, ગલકા વગેરે શાકભાજીનાં ભાવો ઉંચકાયેલા છે. એજ પ્રમાણે અનાજ, કઠોળ,ખાંડ, સીંગતેલ, મરી-મસાલા સહીતનાં ભાવો વધ્યા છે. આજે માર્કેટમાં સામાન્ય વસ્તુઓનાં ભાવ પણ વધેલા જાેવા મળે છે. લગ્નગાળાની સિઝનમાં રાંધણ ગેસ, કોમર્શિયલ ગેસની સર્જાયેલી કથિત અછતને કારણે લગ્ન સમારોહ, જમણવારમાં કાપ મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘરઆંગણે લગ્ન, જનોઈ જેવા પ્રસંગો હોય તેમ છતાં મોંઘવારીનાં કારણે આયોજનમાં કાપ મુકવો પડયો હતો. તેમજ સોના-ચાંદીનાં વધી રહેલા ભાવોને કારણે લોકોએ જુના દાગીનામાંથી મળતા ભાવોનો લાભ લઈ નાના-મોટા દાગીનાં બનાવી અને કામ ચલાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને સોનું એક વર્ષ સુધી ન ખરીદવા તેમજ પેટ્રોલ, ડીઝલ સહીતનાં ઈંધણનો ખપ પુરતો જ ઉપયોગ કરવા દેશવાસીઓને અપીલ કરી છે તે ઘણી સુચક છે. કોરોના કાળમાં જેમ લોકડાઉનનો તબકકો શરૂ થયો હતો. તેમ કટોકટીની પરિસ્થિતીનાં સામના માટે આર્થિક લોકડાઉન તબકકાવાર લાગુ થાય તેવા નિર્દેશો મળી રહાય છે. વૈશ્વિક ઈંધણ સંકટનાં કારણે વિકટ સ્થિતી ઉભી થઈ છે. અને તેની ગંભીર અસર બજારો ઉપર પણ પડી છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રની બજારોમાં મોંઘવારીની અસર સાથે મંદીનું ગ્રહણ લાગી ગયું છે.
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ભારતકુમારનું બિરૂદ પામના અભિનેતા મનોજકુમારએ 1980નાં દાયકામાં બનાવેલી સુપર હીટ ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’માં દારૂણ ગરીબીનું ચિત્ર દર્શાવેલ છે. આ ફિલ્મનાં મોટાભાગના ગીતો સુપરહીટ રહયા હતા. તેમાં પણ ‘બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ, નું’ કોરસ ગીત મોંઘવારી અને ગરીબીનું ચિત્ર રજુ કરે છે. આજે આજે પણ ભારતમાં અનેક સ્થળોએ ગરીબાઈનાં દ્રશ્યો સામે આવે છે. દરમ્યાન આગામી દિવસોમાં મોંઘવારીનાં કારમા પડકાર વચ્ચે જનજીવન પ્રભાવીત થશેજ. ત્યારે મુકાબલા માટે લોકોએ અત્યારથી જ કાળજી રાખવી પડશે.


