જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે વિશાળ મગર નીકળતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયો

જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે વિશાળ મગર નીકળતા વન વિભાગ દ્વારા રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયો

જૂનાગઢ તા.20
ગિરનાર વન્યજીવ અભયારણ્ય ગુજરાતના સૌથી સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવતા અભ્યારણમાંનું એક છે. અહીં એશિયાઈ સિંહ, દીપડો, ચિતલ, નીલગાય, સાંબર, વિવિધ પક્ષીઓ ઉપરાંત મગર (મગરમચ્છ) પણ કુદરતી રીતે વસવાટ કરે છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીનું પ્રમાણ વધવાથી મગરો એક જળાશયમાંથી બીજા જળાશયમાં અવરજવર કરતા હોય છે. આ ઉપરાંત પ્રજનન ઋતુ દરમ્યાન પણ તેમની હિલચાલમાં વધારો જોવા મળે છે. તેથી જળાશયો નજીક મગર દેખાવાની ઘટના અસામાન્ય નથી, પરંતુ તેમની સાથે પૂરતી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
પવિત્ર દામોદર કુંડ ખાતે એક વિશાળ મગર દેખાતા યાત્રાળુઓ અને મુલાકાતીઓમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગની ભવનાથ રાઉન્ડની ટીમ તથા સાસણ ટ્રેકર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા ઝડપી, કુશળ અને સલામત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી તેના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવ્યો હતો. જેના પરિણામે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની હતી અને યાત્રાળુઓ તથા મુલાકાતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ અને વન્યજીવોની હિલચાલ પર નજર રાખવામાં આવે છે. વન વિભાગ યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ – બંને માટે સતત કાર્યરત છે. વન વિભાગ તમામ યાત્રાળુઓ અને મુલાકાતીઓને અપીલ કરે છે કે જળાશયોના કિનારે અનાવશ્યક ભીડ ન કરે, પાણીમાં ઉતરવાનું ટાળે, મગર કે અન્ય કોઈપણ વન્યજીવની નજીક જવાનો અથવા તેમને ખોરાક આપવાનો પ્રયાસ ન કરે તેમજ બાળકો પર વિશેષ ધ્યાન રાખે. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા સૂચના બોર્ડ અને કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ જળાશય કે અન્ય સ્થળે મગર અથવા અન્ય વન્યજીવ જોવા મળે તો ગભરાશો નહીં કે અફવાઓ ફેલાવશો નહીં. તેના બદલે તાત્કાલિક નજીકના વન કર્મચારી અથવા વન વિભાગના નિયંત્રણ કક્ષાને જાણ કરો જેથી સમયસર જરૂરી કાર્યવાહી કરી શકાય.
ગિરનાર વન્યજીવ અભ્યારણમાં મગર સહિતના તમામ વન્યજીવો કુદરતી પરિસ્થિતિનો અભિન્ન ભાગ છે. તેમની સાથે સહઅસ્તિત્વ જાળવવું, જરૂરી સાવચેતી રાખવી અને વન વિભાગને સહકાર આપવો એ દરેક નાગરિક અને યાત્રાળુની સામૂહિક જવાબદારી છે તેવી અપીલ કરવામાં આવી હતી.