વેરાવળની બે કોલેજો સામે ગંભીર આક્ષેપોનો વિસ્ફોટ : ખોટા દસ્તાવેજોથી માન્યતા મેળવાઈ હોવાની રજૂઆત, વડાપ્રધાન સુધી મુદ્દો પહોંચ્યો
શિક્ષણ ક્ષેત્રના સૌથી મોટા કૌભાંડની નિષ્પક્ષ તપાસની ઉઠી માંગણી
વેરાવળ તા.20
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટા વિવાદે માથું ઊંચક્યું છે. વેરાવળ સ્થિત માતૃશ્રી કેસરબેન વી. સવણિયા બી.એડ. કોલેજ અને શ્રી અંજનેય ફાઉન્ડેશન સંચાલિત શ્રી જે.કે.રામ આર્ટ્સ, કોમર્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ કોલેજ સામે ગંભીર પ્રકારના આક્ષેપો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી, એન.સી.ટી.ઈ. (NCTE), ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા અન્ય ઉચ્ચ સત્તાધિકારીઓ સમક્ષ નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કે.પી. પટેલ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આ સમગ્ર પ્રકરણને માત્ર બે કોલેજોનો નહીં પરંતુ રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે જોડાયેલો મુદ્દો ગણાવી ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
કે.પી. પટેલ દ્વારા રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2008થી શરૂ થયેલી માન્યતા પ્રક્રિયા દરમિયાન કથિત રીતે ખોટા દસ્તાવેજો, ખોટા નકશા, ભ્રામક માહિતી અને બનાવટી પ્રમાણપત્રોના આધારે નિયમનકારી સંસ્થાઓને ગેરમાર્ગે દોરી માન્યતાઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જો આ દાવાઓમાં સત્યતા હોય તો તે માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલો અત્યંત ગંભીર વિશ્વાસઘાત ગણાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોલેજોની જમીન, બિલ્ડિંગ, બાંધકામ વિસ્તાર, બિલ્ડિંગ પૂર્ણતા પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી., બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતના અનેક દસ્તાવેજોની સ્વતંત્ર ફોરેન્સિક તપાસ કરવી જોઈએ. રજૂઆતમાં એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે જો તમામ દસ્તાવેજો નિયમસર હતા તો પછી તેમના અંગે આટલા ગંભીર પ્રશ્નો કેમ ઊભા થયા?
કે.પી. પટેલ દ્વારા રજૂઆતમાં શિક્ષક ભરતી, સ્ટાફની લાયકાત, પ્રયોગશાળાઓ, કમ્પ્યુટર લેબ, મનોવિજ્ઞાન લેબ, વિજ્ઞાન લેબ, લાઇબ્રેરી અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે માન્યતા મેળવતી વખતે દર્શાવાયેલી સુવિધાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે તફાવત હોઈ શકે છે. તેથી કાગળ ઉપર નહીં પરંતુ સ્થળ પર જઈ દરેક બાબતની ચકાસણી કરવી જોઈએ.
કે.પી. પટેલ દ્વારા રજૂઆતમાં શ્રી જે.કે.રામ આર્ટ્સ, કોમર્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ કોલેજ અંગે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અન્ય ટ્રસ્ટની માલિકીના બિલ્ડિંગમાં સંસ્થા ચલાવવામાં આવી રહી છે. ભાડા કરાર, મિલકતની માલિકી અને કાયદેસરની મંજૂરીઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જો એક ટ્રસ્ટની મિલકત બીજા ટ્રસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી હોય તો તેની પાછળની કાયદેસરની પ્રક્રિયાનું સંપૂર્ણ ઓડિટ થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક જ બિલ્ડિંગમાં B.Ed., B.A., B.Com., BBA, BCA, PGDCA, BSW અને MSW જેવા અનેક અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. દરેક અભ્યાસક્રમ માટે અલગ-અલગ માળખાકીય સુવિધા, લાયકાત ધરાવતા શિક્ષકો, પ્રયોગશાળાઓ અને નિયામક સંસ્થાઓની મંજૂરી ફરજિયાત હોવા છતાં તેનું પાલન થયું છે કે નહીં તેની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લોકલ ઇન્સ્પેક્શન (LIC) અહેવાલો અંગે પણ રજૂઆતમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારે દાવો કર્યો છે કે જો નિરીક્ષણ યોગ્ય રીતે થયું હોત તો આજે આ પ્રકારની ગંભીર રજૂઆત કરવાની જરૂર પડત નહીં. તેથી તમામ LIC અહેવાલો, યુનિવર્સિટીની મંજૂરી પ્રક્રિયા અને સંબંધિત અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં સૌથી વધુ ચિંતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે વ્યક્ત કરવામાં આવી છે. જો કોઈપણ શૈક્ષણિક સંસ્થા નિયમોનું પાલન કર્યા વિના પ્રવેશ આપે અથવા માન્યતા મેળવે તો તેની સીધી અસર હજારો વિદ્યાર્થીઓની ડિગ્રી, રોજગાર અને સમગ્ર કારકિર્દી પર પડે છે. શિક્ષણ એ સેવા છે, વેપાર નહીં આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રકરણમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદારે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ માટે સ્વતંત્ર વિશેષ તપાસ સમિતિ (SIT) અથવા ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે તમામ મૂળ દસ્તાવેજો જપ્ત કરીને તેમની ફોરેન્સિક ચકાસણી કરવામાં આવે, સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત સંસ્થાઓની માન્યતા રદ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.


