કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી સુબોધ ઓડેદરાએ મહાશિવરાત્રી મેળામાં વિશેષ આયોજન સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીની મંત્રીઓ અને સાધુ સંતોને માહિતી આપી

ભાવિકોની તમામ વ્યવસ્થા માટે સરકાર - વહીવટી તંત્ર કટિબદ્ધ છે: સાધુ સંતોના આશીર્વાદથી મેળાને ભવ્ય કરવો છે: સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા

કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી સુબોધ ઓડેદરાએ  મહાશિવરાત્રી મેળામાં  વિશેષ આયોજન સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીની મંત્રીઓ અને સાધુ સંતોને માહિતી આપી

જુનાગઢ, તા.૯
સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિક સમાન મહાશિવરાત્રીના મેળાની ગરિમા, ભવ્યતા અને દિવ્યતાને ઉંચે લઈ જઈને સાધુ સંતો અને સંસ્થાઓને સાથે રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૬ નો મહાશિવરાત્રીનો જૂનાગઢ નો મેળો ભવ્ય બનવા જઈ રહ્યો છે.
આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫  ફેબ્રુઆરી સુધી યોજનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની સાધુ સંતોને તેમજ સંસ્થાઓને જાણકારી અને તૈયારીઓની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા ના સહધ્યક્ષ સ્થાને જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક કેન્દ્રોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ તાજેતરમાં યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સ્વાભિમાન પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવાયો અને લોકોનો વ્યાપક આવકાર મળ્યો તે જ રીતે મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે સ્થાપિત થશે. મહાશિવરાત્રી મેળામાં ભાવિકો સારી રીતે મેળો કરી શકે અને વિવિધ સગવડતા સચવાય એ રીતે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં મેળામાં રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે સાધુ સંતોના આશીર્વાદથી મેળામાં ભવ્યતા અને દિવ્યતા સાથે વિવિધ સગવડો અને સુવિધા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. સૌના સહકાર અને સૌના પ્રયાસથી મહાશિવરાત્રીનો આ મેળો ખૂબ જ સારી રીતે ઉજવાશે. મેળામાં લોકોને મદદ મળી રહે તે માટે વિવિધ કમિટી હેલ્પ લાઈન તેમજ પાયાની સુવિધા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્ર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે કરવામાં આવી રહેલી કામગીરી, ગિરનાર દરવાજા થી છેક ભવનાથ મંદિર અને રવેડીનો રુટ અલગ અલગ આશ્રમો તેના વિસ્તારો, પાયાની સુવિધા, કોમ્યુનિકેશન, સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક મેનેજમેન્ટ સહિત નાનામાં નાની બાબતનું નિરીક્ષણ કરીને માઈક્રો પ્લાનિંગ કરીને ભાવિકોની સેવાને કેન્દ્રમાં રાખીને આયોજન કર્યું છે તેની રૂપરેખા પ્રેઝન્ટેશનથી આપી હતી.
આ વખતે મહાશિવરાત્રીનો મેળાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને ગિરનાર દરવાજાથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર સુધી રોડ પર ભાવિકોને પીવાનુ પાણી છાશ મળી રહે અને મેળો માણી શકે તે માટે સુશોભન સહિતની તૈયારી કરવામાં આવી છે. મેળો કરવા આવનાર ભાવિકો માટે બસનું ર્પાકિંગ વાઘેશ્વરી મંદિર ગિરનાર દરવાજા પાસે ર્પાકિંગ રાખવામાં આવ્યું છે અને અન્ય ૨૦થી વધુ ર્પાકિંગ જુદા જુદા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. ફરજ પરના કર્મચારીઓને મેળામાં જવા માટે સેન્ટ્રલી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરેક ર્પાકિંગમાં દિવ્યાંગો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓને આ માટે ફરજ સોંપવામાં આવી છે આ ઉપરાંત રસ્તામાં અસક્ત ને મદદની જરૂર પડે તેવા ભાવિકો માટે પોલીસ પણ મદદ કરશે.
રવેડીનો રૂટ ૫૦૦ મીટર વધારવામાં આવતા આ વિસ્તારમાં રોડની બંને સાઈડ ભાવિકો વધુ સારી રીતે રવેડીના દર્શન કરી શકશે .આ ઉપરાંત રવેડીમાં બિનજરૂરી લોકો રવેડીમાં ન રહે તે માટે અગાઉથી આઇડેન્ટિફિકેશન કરવામાં આવશે. ભવનાથમાં રહેતા તેમજ ત્યાં વ્યવસાય કરતાં લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. દૂધ પાણી સહિત આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે દૂધના ૧૭ કેન્દ્રો તેમજ પીવાના પાણીના ૧૪૦ પોઈન્ટ ઊભા કરવામાં આવશે. સાધુ સંતોમાં ને સરળતાથી એન્ટ્રી મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
ભાવિકોને ભોજન આપતી સંસ્થાઓ અનક્ષેત્રો ઉતારા આશ્રમો તમામ માટે વહીવટી તંત્રએ સૂચન મુજબ મહત્વનો ર્નિણય લીધો છે અગાઉ રાત્રીના ૧ થી સવારના ૫ વાગ્યા સુધી માલ સામાનની એન્ટ્રી હતી તેમાં જરૂર મુજબ સુધારો કરવા સૂચન સ્વીકારી તેમાં ફેરફાર કરી હવે સવારના ૫ થી સવાર ૯ વાગ્યા સુધી એન્ટ્રી ચાલુ રહેશે.
 તા.૧૧ મી એ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળા નો પ્રારંભ અને તે જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા મહા આરતી અને ધર્મસભાનું આયોજન છે.જેમા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. ડમરૂ યાત્રામાં સાધુ સંતોરનું સ્વાગત કરાશે.
મંત્રીઓની ઉપસ્થિતિમાં આજની બેઠકમાં ઇન્દ્રભારતી બાપુ, ભારદ્વાજ ગીરીબાપુ, મહાદેવ ગીરીબાપુ, શૈલજા દેવીજી, રાણા બાપુ, સોમનાથ બાપુ, કિશનદાસ બાપુ જગજીવનદાસ બાપુ, નીલકંઠાનંદ બાપુ, જુના અખાડા, આહવાન  અને અગ્નિ અખાડાના મહંતો આ ઉપરાંત પદાધિકારીઓમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધવલભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલીયા, પુનિતભાઈ શર્મા, યોગેન્દ્ર પઢિયાર, પલવીબેન ઠાકર, સંગઠનના પદાધિકારીઓ, એમ જ અધિકારીઓમાં ડી સી એફ અક્ષય જોશી, અધિક કલેકટર બી.એસ બારડ, નાયબ કલેક્ટરઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે મીટીંગનું સંચાલન કર્યું હતું.