કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતી રાજકોટની એસ.ડી.આર.એફ. ટીમ
રાજકોટ તા.4
"સાહેબ, જામનગરના ગામમાં પૂર આવ્યું છે. કેટલાક માણસો ફસાયા છે. જલ્દીથી મદદ માટે આવો...." રાજકોટ એસ.ડી.આર.એફ. ટીમને મદદ માટે કોલ આવે છે. કેટલા માણસો છે, શું પરિસ્થિતિ છે તે અંગે ખાસ વિગત નહીં, પણ અમારી ટીમ પુરી સજ્જતા સાથે પહોંચી જાય છે. પહેલા વિચાર્યું હતું કે, બે-ચાર લોકો પાણીના પુરમાં ફસાયા હશે, પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી કે આશરે 80થી વધુ માણસો નદીના પૂરમાં ફસાયા છે. જેઓને જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવે છે. અમારી ટીમે ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડી અનેક લોકોની જિંદગી બચાવી, અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો... આ શબ્દો છે રાજકોટના ઘંટેશ્વર સ્થિત એસ.આર.પી. જવાનોની એસ.ડી.આર.એફ. ગ્રુપ-૧૩ની ટીમના પોલીસ ઇન્સ્પેકટર મયુર કોટડિયાના. રાજકોટના એસ.આર.પી. ગ્રુપ હેઠળના એસ.ડી.આર.એફ.-13 ગ્રુપને રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર અને મોરબીમાં પણ કામગીરી અર્થે ફરજ સોંપવામાં આવે છે. મયુરભાઈ જણાવે છે કે, રાજકોટ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં પૂર સમયે ગ્રામીણ વિસ્તારમાં અમારી ટીમની વિશેષ જરૂરિયાત રહે છે, વર્ષ 2013થી આજ સુધીમાં અમારી ટીમ દ્વારા 600થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દર વર્ષે ચોમાસામાં અનેક ગામોમાં પાણી ભરાય, પૂર આવે, ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ બચાવ અને રાહત કામ માટે પહોંચી જાય. કુદરતી કે માનવસજિર્ત આપત્તિઓ સમયે મદદરૂપ બનવું એ તેમનું મુખ્ય લક્ષ્ય. ત્યારે આવો જાણીએ એસ.ડી.આર.એફ. શું છે અને તે કેવી રીતે કામ કરે છે.. વર્ષ 2013માં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(ય્જીડ્ઢસ્છ) દ્વારા માનવસજિર્ત અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, પૂર્વતૈયારી અને રાહત-બચાવની કામગીરી અર્થે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(જીડ્ઢઇહ્લ)ની રચના કરવામાં આવી. જે એન.ડી.આર.એફ. સાથે મળીને કામ કરે છે. સ્ટેટ રીઝવ પોલીસ (એસ.આર.પી.) ના 23 યુનિટ પૈકી 11 યુનિટમાં એસ.ડી.આર.એફ. ની 11 કંપની કાર્યરત છે. દરેક કંપનીમાં ત્રણ ટીમ કાર્યરત હોય છે. ટીમમાં 33 જેટલા જવાનો જોડાયેલા હોય છે. તેમ માહિતી આપતા મયુરભાઈ જણાવે છે.


