ઉનાળાની આગઝરતી ગરમીમાં દ્વારકામાં આવેલા રમણીય સ્થાનોએ પ્રવાસીઓનો ઘસારો

ઉનાળાની આગઝરતી ગરમીમાં દ્વારકામાં આવેલા રમણીય સ્થાનોએ પ્રવાસીઓનો ઘસારો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.12
મે મહિનામાં ચાલી રહેલ ઉનાળું વેકેશનના સમયગાળામાં દેશ રાજયમાં જયારે હીટવેવને લીધે 40 થી 45 ડીગ્રીની ઉપર આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વારકા તીર્થધામ એ 30-32 ડિગ્રી તાપમાન ધરાવતું પ્રમાણમાં ‘કુલ-કુલ‘ સેન્ટર હોય સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. આ ઉપરાંત ભારતના પશ્ચિમ કિનારે વસેલી દ્વારકા નગરી આસપાસના સમુદ્ર કિનારે કુદરતી પ્રકૃતિ અને સૌંદર્યના ખોળે પથરાયેલાં રમણીય બીચ તથા નવલા નઝરાણા સમાન સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે અનેરૂ આકર્ષણનું કેન્દ્ર છે. દ્વારકા તથા નજીકના 20-30 કિમી સુધીના વિસ્તારમાં આવેલાં આ બીચ અને ટાપુઓનું સૌંદર્ય અને કુદરતી વાતાવરણ માણીને પ્રવાસીઓ કલાકો સુધી અચૂક રોકાણો કરે છે.
દ્વારકાનો રમણીય પંચકુઈ બીચ
દ્વારકાધીશ મંદિરથી તદ્દન નજીક આવેલ સુદામા સેતુથી ગોમતી નદીના સામા કિનારે આવેલ રમણીય પંચકુઈ બીચ દ્વારકા આવતા યાત્રીકો તેમજ સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહ્યો છે. દ્વારકા આવતાં યાત્રાળુંઓ દેવ દર્શનની સાથે સાથે પંચકુઈ બીચનો આહલાદક આનંદ લેવાનું ચૂકતા નથી અને આ બીચનો લહાવો સહેલાણીઓની પ્રથમ પસંદગી બની ગયો છે. આ ઉપરાંત દ્વારકાના સંગમનારાયણ મંદિરથી લાઈટ હાઉસ વચ્ચે આવેલ બીચ ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે વોક-વે, વિશ્રામ વ્યવસ્થા અને શોપ માર્કેટ, પાર્કિંગ તથા વિવિધ લાઈટીંગની સુવિધા વિકાસાવાઈ છે. કલાત્મક પ્રવેશદ્વાર અને પુરાતન દ્વારકા સાથેનો મિલાપ થાય તેવા ડીઝાઈનીંગ સ્ટ્રકચર સાથેની કમાનો તથા છત્રીઓથી સુશોભિત કરાયેલ છે. અરબી સમુદ્ર સાથે જોડાયેલ આ બીચ ઉપરથી સમી સાંજે સૂર્યાસ્તનો નઝારો માણવા સહેલાણીઓ અચૂક મુલાકાત લેતા હોય છે. અહીના રમણિય સાગરકાંઠે વર્ષ દરમ્યાન શિયાળામાં અને અમૂક અનુકૂળ દિવસોમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા સમુદ્રની અંદર પણ અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા ખાનગી સંસ્થા દ્વારા ચાલી રહી છે. આ ઉપરાંત રમણીય બીચમાં ઉછળતા મોજાંઓની સંગાથે ઊંટ સવારી તથા ઘોડેસવારીની મજા માણવી એ આ બીચનો ઉત્તમ લ્હાવો છે.
ઓખામઢી પાસેનો આકર્ષક બીચ,કાચબાઓનું મ્યુઝીયમ
જામનગરથી દ્વારકા તરફ આવતાં ઓખામઢી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી તદન નજીક ઓખામઢી બીચ આવેલો છે જયાં ગુજરાત સરકારના મરીન નેશનલ પાર્ક આયોજિત દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્ર તથા કાચબાઓનું મ્યુઝીયમ અને માછલીઘર પ્રવાસીઓને નિહાળી શકે છે. વિશ્રામ માટેની વ્યવસ્થા આ બીચ ઉપર કરવામાં આવી છે. કૃષ્ણ ભગવાનની કર્મભૂમિના નિવાસ સ્થાન એવા કુદરતના ખોળે આવેલાં આ બીચોનો જીવંત નજારો નીહાળવો એ જીવનનો અમૂલ્ય લ્હાવો છે.

નાગેશ્વર નજીકનું મોમાઈ ધામ
આવો જ બીચ નાગેશ્વર મહાદેવ જયોતિર્લિંગ પાસે મૂળવેલ ગામે આવેલ મોમાઈ ધામ ખાતેનો બીચ પણ પહાડી ઊંચાઈથી રાહરસ્તે પસાર થતાં ઊંડાણમાં આવેલ બીચ છે જયાં મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર તથા પ્રવાસી સુવિધાઓ અને બાળ ક્રિડાંગણ આવેલાં છે.
શિવરાજપુરનો રમણીય બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
દ્વારકાથી બેટ દ્વારકા જતાં પ્રવાસીઓ દ્વારકાથી ઓખાના રાજય ધોરીમાર્ગ પર જયાંથી પસાર થાય છે તે માર્ગ ઉપર દ્વારકાથી 10 કિમીના અંતરે શિવરાજપુર બીચ આવેલ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરફથી શિવરાજપુર બીચ ઉપર દર વર્ષે બીચ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજયની ભવ્ય ભાતિગળ સાંસ્કૃતિક અનુરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજવામાં આવે છે. અહીંના છીછરા કિનારામાં વર્ષમાં શિયાળામાં અને અમૂક અનુકૂળ મોસમમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા પણ ખાનગી સંસ્થાનો દ્વારા ચાલી રહી છે.
ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો બેટ દ્વારકાનો ડન્ની પોઈન્ટ
અને છેલ્લે બેટ શંખોદ્ધાર (દ્વારકા)માં દ્વારકાધીશ મંદિરથી 5 કિ.મી. દૂર ડન્ની પોઈન્ટ નામના ટાપૂ પર આવેલ બીચ ઉપર ખાનગી સંસ્થાઓના સહયોગથી ૨ થી 3 દિવસના રોકાણ સાથેના કેમ્પની વ્યવસ્થા અગાઉ ઉપલબ્ધ હતી. જે તે સમયે આ બીચ ઉપરથી ભારત સરકારે જેને રાષ્ટ્રીય માછલીમાં મુખ્ય સ્થાન આપેલ છે તેવા આ રમણીય બીચ ધરાવતા અહીના દરીયામાં વ્હેલ માછલીના પણ અદભુત દર્શન તેમજ અન્ય દરીયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ પણ ખાનગી સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવતા હોય સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આ સ્થળની પર્યાવરણ વિષયના ગહન અભ્યાસ અર્થે અચૂક મુલાકાત લેતાં. હાલ પ્રશાસન દ્વારા સહેલાણીઓને આ બીચ પર જવા મંજૂરી આપવામાં આવતી નથી.
દ્વારકા વિસ્તારમાં હવામાન, પ્રાકૃતિક સૌંદર્ય અને સૃષ્ટિના ખોળે આવેલાં સોહામણા ટાપૂઓ
દ્વારકા વિસ્તારની ભૂમિ તથા દરીયાઈ વિસ્તારનું કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય એટલું ભરપૂર હોય એટલે જ ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડતાની સાથે આ વિસ્તારના કુદરતી દરીયાઈ ખોળા વચ્ચે આવેલાં ટાપૂઓને તેમની કર્મભૂમિ બનાવી હશે. આમ, દ્વારકા વિસ્તારના દરિયાની વચ્ચે આવેલાં ઓખા તથા બેટ શંખોધ્ધાર, પોશીત્રા સહિત નજીકના વિસ્તારોમાં આવેલાં ટાપુઓ નિહાળવા માટે દ્વારકાધીશના દર્શનાર્થે આવતાં પ્રવાસીઓ માટે એક અમૂલ્ય ભેટ છે. ચારેય દિશામાં વિશાળ દરિયાઈ મોજાના ઘોંઘાટમાં ચારેય બાજુ માત્ર પાણીની વચ્ચે જમીનથી જોડાયેલ ટાપુઓ ઉપર પ્રવાસીઓ જાય છે ત્યારે કુદરતી હવામાન અને કુદરતી પ્રકૃતિનું સૌંદર્ય તથા ટાપૂઓ ઉપર આવેલી કુદરતી સૃષ્ટિને જોઈને પ્રવાસીઓ ભારે અચંબિત બની જતા હોય છે. ટાપુઓ ઉપર અવર જવર માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી)ની મંજૂરી મેળવવી જરૂરી છે. દ્વારકા નજીકના મહેસુલી હકુમત ખંભાળીયા તળે આવેલાં દરીયાઈ ટાપુ નરારા ટાપુ ઉપર માનવ વસ્તી આવેલી છે અને આ ટાપુ ઉપર જવા માટે કોઈ પરવાનગીની જરૂર રહેતી નથી. બેટ શંખોધ્ધાર તથા પોશીત્રાના દરિયા કિનારેથી બોટ દ્વારા આ ટાપુ ઉપર જઈ શકાય છે.
સુદર્શન સેતુના લોકાર્પણ બાદ બેટ દ્વારકામાં પ્રવાસન ઉદ્યોગને વેગ, કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ સહિત ટુરીસ્ટ આકર્ષણો
ઓખા બેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુના બન્યા બાદ બેટ દ્વારકા તીર્થ ક્ષેત્ર જમીન માર્ગે જોડાઈ જતાં સહેલાણીઓ તથા દર્શનાર્થીઓ માટે બેટ દ્વારકા જવુ એકદમ સુગમ બન્યુ છે અને દરરોજના આશરે દસ હજાર જેટલા પ્રવાસીઓ તથા સ્થાનીકોની અવર-જવર ધરાવતો ધમધમતો બ્રીજ બન્યો છે. આ બેનમૂન બ્રીજ પર પ્રવાસીઓ માટે વ્યુઈંગ ગેલેરી, સેલ્ફી પોઈન્ટસ તેમજ રાત્રિના લાઈટીંગ ડેકોરેશનથી દિવસ દરમ્યાન તથા રાત્રિના પણ આ બીચ નિહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહયા છે. આ સાથે બેટ દ્વારકામાં પ્રવાસનના વિવિધ સ્કોપ ખૂલી જતાં ટુરીસ્ટ ઉદ્યોગને વેગ મળ્યો છે. દર વર્ષે બેટ દ્વારકાના પ્રાકૃતિક સૌંદર્ય સભર વાતાવરણમાં કેમ્પ સાઈટ, ડોલ્ફીન વ્યુઈંગ, બીચના પ્રાકૃતિક સૌંદર્યના સ્થળો અને બેટ દ્વારકામાં પ્રવાસનલક્ષી સુવિધાઓમાં વધારો થવાથી પ્રવાસન સ્થળો તેમજ ધામિર્ક મંદિરોમાં ટુરીસ્ટની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી હોય સમગ્ર બેટ દ્વારકાના ટુરીઝમ ઉદ્યોગને વેગ મળ્યો છે.