ખાનગી સીમેન્ટ કંપનીની માઈનીંગ કામગીરી સામે ધામળેજ, સીગસર સહીત ૬ ગામોના ખેડૂતોનો ભારે વિરોધ

ખાનગી સીમેન્ટ કંપનીની માઈનીંગ કામગીરી સામે ધામળેજ, સીગસર સહીત ૬ ગામોના ખેડૂતોનો ભારે વિરોધ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. રપ
ધામળેજ, સિગસર અને થોરડી ગામે આવેલી ખાનગી કંપની દ્વારા માઈન્સમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. ગઈકાલે કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ઘટના સ્થળે એકઠા થયા હતા. અને માઈન્સમાંથી પાણી ન કાઢવામાં આવે તેવી ઉગ્ર રજુઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનાં વિરોધનાં પગલે પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 
પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં મામલો થાળે પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. માઈન્સમાંથી પાણી કાઢવાની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે. 
ખેડૂતોનો આક્ષેપ છે કે આ કામગીરીથી આસપાસનાં વિસ્તારના પાણીના સ્ત્રોતો અને ખેતી પર અસર થવાની ચિંતા છે. સમગ્ર મામલે કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે.