ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચીકન પાર્ટી : વિડીયો વાયરલ : રાજયવ્યાપી ખળભળાટ સમગ્ર હિન્દુ સમાજ સ્તબ્ધ : સનાતન ધર્મ પર કુઠરાઘાત

ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચીકન પાર્ટી : વિડીયો વાયરલ : રાજયવ્યાપી ખળભળાટ સમગ્ર હિન્દુ સમાજ સ્તબ્ધ : સનાતન ધર્મ પર કુઠરાઘાત

જૂનાગઢ તા.૧ર
જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વત પર આવેલ બાવન શક્તિપીઠ પૈકીની એક એવી ઉદયન શક્તિપીઠ ગણાતી ગિરનાર અંબાજી મંદિર ખાતે યોજાયેલ ભંડારામાં કેટલાક તત્વોએ દારૂ-ચીકનની પાર્ટી કરી હોવાનો વિડીયો વાયરલ થતાં જૂનાગઢ શહેર-જીલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે.  ભંડારામાં આવી મલેચ્છ પ્રવૃત્તિ કરનાર અસામાજીક તત્વોએ મંદિરની પવિત્રતાને અભડાવી નાખી છે અને શક્તિપીઠ જેવા પવિત્ર સ્થળે દારૂ-ચીકનની પાર્ટી કરી સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું ઘોર અપમાન કર્યું છે. આ ઘટનાએ ભાવિકોની લાગણીને ભારે ઠેસ પહોંચાડી છે અને આસ્થા ઉપર કુઠરા ઘાત સમાન આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા અંબાજી મંદિરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજે ભારે આંચકો અનુભવ્યો છે અને આવી પ્રવૃત્તિ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને મંદિરની શુધ્ધતાને પુન: સ્થાપિત કરવા માંગણી કરવામાં આવી છે. આ દારૂ-ચીકન પાર્ટીમાં કોણ-કોણ સામેલ હતા ? તે વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. વધારે જઘન્ય બાબત એ છે કે, આ દારૂ-ચીકન પાર્ટીના વિડીયોમાં જે દેખાતા અસામાજીકો દારૂ-ચીકનની સાથે અંદરો-અંદર એક બીજા સાથેની વાતચીતમાં બેફામ ગાળો બોલતા અને બિભત્સ શબ્દ પ્રયોગ કરતા પણ જાેવા મળી રહ્યા છે. આ ઘટનાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર આ અંગે શું કાર્યવાહી કરશે ? તેના પર સંબંધિત તમામની મીટ મંડાયેલી છે.
દરમ્યાનમાં તપાસનીશ ટીમે સીસીટીવી કેમેરાના ફુટેજ થઈ રહી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત ૧૧ પૂજારીઓને આજે સવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અને વિડીયો પણ કથિત બે-ત્રણ મહિના જુનો હોવાનું કહેવાય છે પરંતુ તંત્રએ જે ૧૧ પૂજારીઓને સસ્પેન્ડ કર્યા તેની વિગતો વિડીયો વાયરલ થયા બાદ બહાર પડી છે. જે દર્શાવે છે કે, કયાંકને કયાંક આ બનાવમાં ઢાંકપીછોડો કરવાની કોશિષ થઈ છે. તેવી પણ ચર્ચા થઈ રહી છે. 

ઘટનાને પગલે સીટી મામલતદાર બારૈયા અંબાજી મંદિર દોડી ગયા : ૧૧ પૂજારી સસ્પેન્ડ
ઘટનાની જાણ થતાં જૂનાગઢ શહેર મામલતદાર બારૈયા અને તેમની ટીમ આજે સવારે ગિરનાર અંબાજી મંદિર પર દોડી ગયા હતા અને આ કૃત્ય બાદ સંમગ્ર મંદિર પરીસરની શુધ્ધીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને બે પૂજારીની નિમણુંક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મામલતદાર બારૈયાનો સંપર્ક સાધતા તેમણે એવું જણાવ્યું હતું કે, ઉપરોકત ઘટનાના સંદર્ભમાં જીલ્લા વહીવટી તંત્રએ જૂનાગઢ અંબાજી મંદિર ખાતે નિમણુંક કરાયેલ ૧૧ પૂજારીઓને આજે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને તપાસ શરૂ કરવામાં આવેલ છે. તપાસને અંતે જે કાંઈ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ મામલતદાર બારૈયાએ જણાવ્યું હતું. ઘટનાને પગલે સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓમાં (૧) કિશોરસિંહ એસ. ચૌહાણ, (ર) તુષારગીરી એમ. ગૌસ્વામી, (૩) પ્રિન્સ કે. ઠાકર, (૪) ગૌસ્વામી ભરતગીરી ધનગીરી, (પ) ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ, (૬) શૈલેશગીરી એમ. ગૌસ્વામી, (૭) ધવલગીરી બી. ગૌસ્વામી, (૮) કાંતિગીરી એ. અપારનાથી, (૯) દેવગીરી જિમ્મીગીરી ગૌસ્વામી, (૧૦) વિજય એ. ત્રિવેદી અને (૧૧) સમીયા રામનો સમાવેશ થાય છે.

જિલ્લા કલેકટરે ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓના કથિત વીડિયોની તપાસનો આદેશ આપ્યો
વીડિયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પ્રતિબંધ : એસડીએમ જૂનાગઢને જીણવટભરી તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા નિર્દેશ : તપાસના અહેવાલ બાદ કસૂરવાર સામે દાખલારૂપ કડક કાયદાકીય પગલાઓ લેવામાં આવશે
ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આસ્થાને ઠેસ પહોંચાડનારો કથિત વિડીયો બહાર આવ્યો છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ એસ. ડી. એમ. જૂનાગઢને ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ સુપ્રત કરવા આદેશ આપ્યા છે. 
આ કથિત ઘટના સંદર્ભે વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે, સાથે જ પ્રાથમિક તબક્કે પગલાં તરીકે કથિત વીડિયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. 
હાલ, આ કથિત ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસના અંતે ગિરનારની ગરિમા અને લાખો શ્રદ્ધાળુઓની લાગણી ઠેસ પહોંચાડનાર  જે કોઈ વ્યક્તિઓ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કસૂરવાર સામે દાખલારૂપ કડક કાયદાકીય પગલાઓ લેવામાં આવશે, તેમ પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

સનાતન ધર્મની દુહાઈ આપતા સાધુ-સંતો-મહંતોનું ભેદી મૌન
જૂનાગઢ શહેરમાં જ્યારે પણ શિવરાત્રી કે પરીક્રમાનો મેળો યોજાય છે ત્યારે અગાઉ ભૂતકાળમાં એવા બનાવો બની ચુકયા છે કે, ભવનાથ વિસ્તારમાં પેટીયુ રળવા આવેલા કેટલાક બહારના લોકો દ્વારા નોનવેજ બનાવતા હોવાના બનાવો બન્યા છે અને આવા લોકોને તત્કાલ ભવનાથમાંથી હાંકી કાઢવામાં આવેલ છે. તેટલું જ નહીં, ભવનાથ વિસ્તારની પવિત્રતા જાળવી રાખવા માટે વારંવાર નિવેદનો કરવામાં આવે છે. પરંતુ અંબાજી મંદિરના ભંડારા વખતે દારૂ-ચીકનની પાર્ટી યોજાય તે અંગે ભવનાથ વિસ્તારના કોઈપણ સંતો-મહંતોએ કોઈ નિવેદન આપ્યું નથી અને ભેદી રીતે મૌન ધારણ કરી લીધું છે. વારંવાર સનાતન ધર્મની દુહાઈ આપતા સાધુ-સંતો આ ઘટનાક્રમમાં કેમ ચુપ છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. વિધર્મીને ભવનાથ વિસ્તારમાં પ્રવેશ આપવો જાેઈએ નહીં તેવા નિવેદનો કરનારા લોકો હવે ખુદ અંબાજી મંદિર સંકુલમાં દારૂ-ચીકનની પાર્ટી યોજાય છે તે અંગે કેમ કાંઈ બોલતા નથી ?  અંબાજી મંદિર સંકુલમાં જ દારૂ અને નોનવેજની પાર્ટી યોજનારા તત્વો વિશે આ સંતો-મહંતો હવે શું કાર્યવાહી કરશે ? તેના પર સંબંધીત તમામની મીટ મંડાયેલી છે.