ગીર સોમનાથ જીલ્લાની પાલીકા, જીલ્લા-તાલુકા પંચાયતની 284 બેઠકો માટે ચૂંટણી યોજાશે

ગીર સોમનાથ જીલ્લાની પાલીકા, જીલ્લા-તાલુકા પંચાયતની 284 બેઠકો માટે ચૂંટણી યોજાશે

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૦૩
ગીર સોમનાથ જીલ્લામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. જે અંગે માહિતી આપતા જીલ્લા ચૂંટણી અધિકારી એન.વી. ઉપાધ્યાયે જણાવેલ કે,  જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ થઈ ગયો છે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો, ૬ તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો અને ૪ નગરપાલિકાના ૩૩૨ વોર્ડની ૧૨૮ બેઠકો મળી જીલ્લામાં કુલ ૨૫૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જીલ્લા અને તાલુકા પંચાયત અંતર્ગત વેરાવળમાં કુલ ૧,૧૮,૯૭૦, તાલાલામાં ૮૪,૮૨૨, સૂત્રાપાડામાં ૯૭,૩૨૪, કોડીનારમાં ૧,૪૪,૧૬૭, ઉનામાં ૧,૬૭,૩૨૫ અને ગીરગઢડામાં ૯૯,૩૮૦ મતદારો નોંધાયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં વેરાવળમાં ૧,૩૩,૯૨૧, તાલાલામાં ૧૫,૦૫૩, સૂત્રાપાડામાં ૧૬,૧૧૪, ઉનામાં ૪૧,૮૨૦ મળી કુલ ૨,૦૬,૯૦૮ મતદારો નોંધાયા છે.
જિલ્લા-તાલુકા પંચાયતની વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ૮૧૫ મતદાન મથકો પર ૧૮ ચૂંટણી અધિકારીઓ, ૨૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ૯૪ ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરો સહિત ૪,૪૮૫ પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. ૭૬ માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલિમ આપવામાં આવી છે. આ ચૂંટણી માટે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
નગરપાલિકા અંતર્ગતની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૯૫ મતદાન મથકો પર ૪ ચૂંટણી અધિકારીઓ, ૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ૨૨ ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરો સહિત ૧,૦૭૩ પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. ૨૬ માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલીમ આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણી માટે વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા અને ઉના ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
ચૂંટણી માટેના ખર્ચની મર્યાદા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવારો માટે રૂ.૬ લાખ, તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રૂ.૩ લાખ તેમજ એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂ.૨.૨૫ લાખ અને નવ વોર્ડ થી વધુ માટે દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂ.૩.૫૦ લાખ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.  આ ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તા.૬ એપ્રિલ તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૧ એપ્રિલ, ઉમેદવારી પત્ર ચકાસણી માટે તા.૧૩ એપ્રિલ તેમજ ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તા.૧૫ એપ્રિલ રહેશે. તા.૨૬ એપ્રિલના રોજ સવારે ૭ કલાકથી સાંજે ૬ કલાક સુધી મતદાન યોજાશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ નિર્ધારીત ડિપોઝિટ અને ફોર્મ ફી ભરી નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની લોકો લોકશાહીના આ અવસરમાં પોતાની પવિત્ર ફરજ બજાવે એવી મતદારોને અપીલ કરી છે.