ચાંદીનો ભાવ દોઢ મહિનાના તળિયે પહોંચ્યો : વધુ રૂા. ૧૦ હજારનો કડાકો

ચાંદીનો ભાવ દોઢ મહિનાના તળિયે પહોંચ્યો : વધુ રૂા. ૧૦ હજારનો કડાકો

(બ્યુરો)       મુંબઈ તા. ૬
સોના-ચાંદીના ભાવોમાં મંદીનો નવો દૌર શરૂ થયો હોય તેમ ફરી કડાકા-ભડાકા રહ્યા છે. આજે પણ સોના-ચાંદી  વધુ ગગડયા હતા. ચાંદીનો ભાવ ગત મહિને ૧૨૦ ડોલરને આંબી ગયો હતો તે ૬૫ ડોલર સુધી સરકી ગયો છે. અર્થાત ભાવ  અડધા જેટલા થઇ ગયા છે. 
ભારતીય કોમોડીટી માર્કેટમાં આજે પ્રારંભિક કામકાજમાં ચાંદીનો ભાવ વધુ ૯,૩૦૦ તુટયો હતો અને ૨,૩૪,૫૦૦ સાંપડયો હતો. નીચામાં ૨,૨૯,૧૮૭ થયો હતો. વિશ્વ બજારમાં ભાવ એક તબકકે ૬૫ ડોલરની નીચે ઉતરી ગયો હતો જે છેલ્લા દોઢ મહિનાનો સૌથી નીચો ભાવ હતો.
ગઇકાલે ચાંદીનો વૈશ્વિક ભાવ ૧૯ ટકા ગગડયા બાદ આજે પણ ૩ ટકાથી વધુનો ઘટાડો સુચવતો હતો. આ જ રીતે વાયદામાં સોનુ ૧૩૭૦ રૂપિયા ઘટીને ૧,૫૦,૭૦૦ સાંપડયું હતું જે નીચામાં ૧,૪૯,૩૯૬ સુધી સરકયું હતું. વિશ્વબજારમાં ભાવ ગઇકાલે ૪ ટકા ગગડયા બાદ આજે એક તબકકે  ૪૩૭૫ ડોલર સુધી નીચે ઉતરી ગયો હતો અને પછી રીકવર થયો હતો. 
વૈશ્વિક સ્તરે ડોલરમાં જાેરદાર વધઘટના કારણે મેટલ માર્કેટમાં તિવ્ર અસર વર્તાઇ રહી છે. અમેરિકી ડોલર બે સપ્તાહના ઉંચા સ્તરે પહોંચી ગયો હતો. સોના-ચાંદીમાં મોટી વધઘટના કારણે સટોડિયાઓ, ટ્રેડરો અને વેપારીઓ પણ નવા વેપાર કરવામાં ખચકાટ અનુભવતા રહ્યા છે. આવતા દિવસોમાં ટ્રેન્ડ કેવો રહે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.