જૂનાગઢમાં ઓળખ છુપાવી બે સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અચારનારને ર૦ વર્ષની સજા ફટકારાઈ
જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢમાં એક જ પરીવારની બે સગીર બાળાઓને પોતાની ઓળખ એસટી નિગમના કાયમી કર્મચારી તરીકે આપી તેમને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. જૂનાગઢની છઠ્ઠી અધિક સેશન્સ અદાલતે આરોપી સાહિલભાઈ રફીકભાઈ સન્ના મુલતાનીને આ ગુનામાં કસુરવાર ઠેરવીને ર૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આરોપીએ પોતાનું સાચું નામ અને ધર્મ છુપાવીને સગીરા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેણે સરકારી નોકરી હોવાનું ખોટું કહીને બંને બહેનોને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ વારંવાર તેની સાથે શારીરીક શોષણ કર્યુ હતું. આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરીને આરોપી વિરૂધ્ધ મજબુત પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતાં. અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સરકારી વકીલ એ.એન. પુરોહીતની દલીલો અને રજુ કરાયેલા પુરાવાનો ગ્રાહય રાખીને કોર્ટે આરોપી સાહિલ મુલતાનીને પોકસો એકટની કલમ ૪, ૬ અને ૮ હેઠળ દોષીત ઠેરવ્યો હતો. અદાલતે પોકસો એકટની કલમ ૬ હેઠળ આરોપીને ર૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવાની સાથે દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત અદાલતે એક સંવેદનશીલ નિર્ણય લેતાં ભોગ બનનાર પિડીતાને ગુજરાત પિડીત વળતર યોજના હેઠળ રૂા. ૪ લાખનું વળતર ચુકવવનો હુકમ પણ કર્યો છે.


