જૂનાગઢમાં રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ
૧૩ શાળાની ૧૬ ટીમોએ ‘વિજ્ઞાન અને સમાજ’ વિષય હેઠળ વૈજ્ઞાનિક વિષયો પર નાટ્યકૃતિઓ રજૂ કરી
જૂનાગઢ, તા.૧
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી GUJCOST દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ NSDF ૨૦૨૬–૨૭’ની જિલ્લા કક્ષાની સ્પર્ધા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંકલન અને સહયોગથી યોજાઈ હતી.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ તથા જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપવાના આશયથી યોજાયેલા આ મહોત્સવનો આ વર્ષનો મુખ્ય વિષય ‘વિજ્ઞાન અને સમાજ’ રાખવામાં આવ્યો હતો. આ અંતર્ગત ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓએ ‘કૃત્રિમ બુદ્ધિમત્તા AI મિત્ર, ઉપકરણ કે ખતરો?’, ‘ઇલેક્ટ્રિક વાહનો: આગળનો માર્ગ’, ‘આંતરતારકીય આવાસ’ અને ‘મહાસાગરોની પુન:સ્થાપના’ જેવા અદ્યતન અને સમકાલીન વૈજ્ઞાનિક વિષયોને નાટ્યકૃતિના માધ્યમથી રસપ્રદ અને અસરકારક રીતે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની સર્જનાત્મક રજૂઆતો દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાનને સરળ અને લોકભોગ્ય રીતે સમાજ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં જિલ્લાના ૧૩ શાળાની કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. મહત્તમ ૩૦ મિનિટની સમયમર્યાદા અને ૮ કલાકારોની મર્યાદામાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારસરણીનું નાટ્યરૂપે પ્રસ્તુતિકરણ કર્યું હતું. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની શાળાઓને સાંકળીને યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જાેવા મળ્યો હતો.
આ પ્રસંગે GUJCOSTના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, IASએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન તથા વિભાગના સચિવશ્રી પી.ભારતી, IASના વડપણ હેઠળ વિદ્યાર્થીઓ અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. નાટ્યકળા જેવા લોકભોગ્ય માધ્યમથી વિજ્ઞાનને સરળતાથી સમજાવવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ બની રહેશે.
કાર્યક્રમમાં શ્રી રણવીરસિંહ પરમાર, ઇ. આઈ., ડેઓ કુ. જલ્પાબેન ક્યાડા, ઇ.આઈ શ્રી આશિષ મહિડા, એ.ઇ. ઇ. આઈ. સહિત આશરે ૧૭૫ મહાનુભાવો અને શાળા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા વિજેતાઓને ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાની પ્રથમ ક્રમે વિજેતા ટીમ તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પ્રતાપસિંહ ઓરા, શ્રદ્ધાબેન કચોટ, રીનાબેન મકવાણા અને જીગરભાઈ રાદડિયાએ જહેમત ઉઠાવી હતી.


