જૂનાગઢમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, બે મહિલા સહિત 3 ઝડપાયા
રાજસ્થાનથી અર્ટિગા કારમાં લવાયેલો 13.27 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો, કાર અને મોબાઈલ સહિત રૂ.5.50 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ તા.8
જૂનાગઢમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOGની ટીમે બાતમીના આધારે સાંકળીધાર પોલીસ ચેક પોસ્ટ નજીક વોચ ગોઠવી અર્ટિગા કારને અટકાવી તપાસ હાથ ધરતા કારમાંથી મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કારમાં MD ડ્રગ્સનો જથ્થો લઈને કેટલાક લોકો જૂનાગઢ તરફ આવી રહ્યા છે. માહિતીના આધારે SOGની ટીમે સાંકળીધાર ચેક પોસ્ટ નજીક સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ સિલ્વર કલરની અર્ટિગા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તલાશી લીધી હતી.
કારની તપાસ દરમિયાન 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારમાં રહેલા ત્રણેય શખ્સોને કબજામાં લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં જૂનાગઢના ભારતમીલના ઢોરા પાસે રહેતી સલમાબેન, વંથલીના સુરજકુંડ વિસ્તાર પાસે રહેતી શર્મિલાબેન અને તેના પતિ તેજસ્વીન ઉર્ફે લાલો દિનેશભાઈ સુખાનંદીનો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ડ્રગ્સનો આ જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ રાજસ્થાનના ભોજાસણ ગામ નજીક આવેલા આઉ ગામ પાસે એક અજાણ્યા શખ્સ પાસેથી MD ડ્રગ્સ મેળવ્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતીના આધારે પોલીસે ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.5,50,310નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ.39,810ની કિંમતનું 13.27 ગ્રામ MD ડ્રગ્સ, રૂ.10,500ની કિંમતના બે મોબાઈલ ફોન અને અંદાજે રૂ.5 લાખની કિંમતની અર્ટિગા કારનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં અગાઉ MD ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા સલીમ ઉર્ફે ભૂરીયો હુશેનભાઈ સોઢાની પત્ની સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના સંબંધો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.


