જૂનાગઢ એ ડિવિઝન પોલીસનું વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
આડેધડ વાહન પાર્ક કરનારાને કડક ચેતવણી
જૂનાગઢ શહેર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
પોલીસ કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ સર્કલ અને ચોક માલીવાડા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન રસ્તાની વચ્ચે અથવા 'નો-પાર્કિંગ' ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. અનેક વાહનચાલકોને સ્થળ પર જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ફરીથી આ પ્રકારે આડેધડ પાર્કિંગ કરવામાં આવશે, તો વાહન ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
પીઆઈ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવી એ અમારી પ્રાથમિકતા છે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.


