જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા ધારાસભ્ય સંજય કોરડીયાની કેન્દ્રીય મંત્રીને રજુઆત

જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા ધારાસભ્ય સંજય કોરડીયાની કેન્દ્રીય મંત્રીને રજુઆત

જૂનાગઢ તા.ર
જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ અને આમ જનતાના પ્રશ્ને કાયમને માટે જાગૃતિ દાખવનારા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢ શહેરને ફાટકમુક્ત બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી અને ફાટકનો મુદ્દો તેમજ રેલ્વે સ્ટેશનના નિર્માણ માટેની અસરકારક રજુઆતો કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેર તેમજ સોરઠ પંથકના રેલ્વેને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય સંજય કોરડીયાએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમ્યાન જૂનાગઢ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય અને સુવિધાઓમાં વધારો મળે તે માટે રજુઆતો કરવામાં આવી હતી અનેક દરખાસ્તો પણ મુકવામાં આવી હતી. જૂનાગઢ શહેરને માટે માથાના દુ:ખાવા રૂપ ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ શહેરને ફાટકમુક્ત બનાવવાના પ્રોજેકટ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેલ્વે ફાટકોને સ્થાને આધુનિક ઓવરબ્રિજ કે અન્ય વિકલ્પો ઝડપથી અમલી બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢથી દિલ્હી અને હરિદ્વાર જેવા ધાર્મિક તથા વ્યાપારીક કેન્દ્રો માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની ટ્રેનોને અમદાવાદના ચાંદલોડીયા અને આંબલી સ્ટેશન પર સ્ટોપેજ આપવા બાબતે પણ ચર્ચા અને રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાની રજુઆતને સાંભળી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે હકારાત્મક નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.