જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિની ઉજવણી

ભવનાથમાં આવેલ લંબે હનુમાનજી મંદિર ખાતે ર૧૦૦૦ લાડુનો મહાભોગ ધરાયો - છપ્પનભોગ દર્શન, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો: ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હનુમાન જયંતિની ઉજવણી

જૂનાગઢ તા. ર
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ચૈત્ર સુદ-૧પ હનુમાન જયંતિની ભાવભેર, ઉત્સાહભેર સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે અને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.  જૂનાગઢ શહેરમાં ટીંબાવાડી રોડ, અક્ષરવાડી પાસે આવેલા તાત્કાલીક હનુમાનજી મંદિરે સવારથી જ પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પંચહાટડી ચોક ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતિનાં પાવન અવસરે આરતી, દાદાને ચૌલા શણગાર, દાદાને ફુલહાર, થાળનો ચડાવો, મહાપ્રસાદ, અન્નકોટનો ભોગ ધરાવાયો છે. તેમજ આરતી સહીતનાં કાર્યક્રમો યોજાયા છે. આ ઉપરાંત ઉપરકોટ કિલ્લાના મુખ્ય દરવાજામાં પ્રવેશતા જ શ્રીહનુમાનજીનું મંદિર  આવેલ છે તેમજ શ્રી ગણેશજીનું મંદિર આવેલ છે. આજે હનુમાન જયંતિનાં પાવન પ્રસંગે વિશેષ પૂજા સહીતના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહેલા છે. ભવનાથ તળેટી ખાતે આવેલા સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે ૬.૦૦ કલાકે દિવ્ય મંગળા આરતી, ૬.૩૦ કલાકથી શ્રીલંબે હનુમાનજી મહારાજનું અભિષેક પૂજન, ૧૦ કલાકથી શૃંગાર દર્શન તથા ર૧૦૦૦ લાડુનો મહાભોગ તથા છપ્પનભોગનાં દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ભકતજનો માટે ૧૧.૩૦ કલાકથી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર્શનાર્થી તમામને લાડુનો પ્રસાદ આપવામાં આવી રહયો છે. 
શ્રી રામ દરબાર તથા શ્રી લંબે હનુમાનજીનાં અલૌકિક દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડયા છે. મહંત શ્રી અર્જુનદાસજી બાપુનાં માર્ગદર્શન હેઠળ સેવક ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.  જૂનાગઢ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. પૂજન, આરતી, મહાપ્રસાદ, બટુક ભોજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. 

તુમ રક્ષક કાહુ કો ડરના, 
જય જય જય હનુમાન ગોસાઈ
હનુમાન જયંતિનાં પાવન અવસર પ્રસંગે આજે ભવનાથ તળેટી ખાતે બીરાજતા સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મહારાજનાં મંદીર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં ફાઈવસ્ટાર હોન્ડા શો-રૂમનાં પ્રવિણભાઈ જમનાદાસ સાવલીયા પરીવાર દ્વારા ૧૧ કિલો ૧૬ર ગ્રામ ચાંદીનાં આભૂષણો અને ર૧૦૦૦ મોતીચૂરનાં લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.