જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર અને સંગઠીત ગુનાહીત ગેંગનાં લીડર રવિ હમીરભાઈ ભારાઈને રાજસ્થાનથી ઝડપી લેવાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૪
જૂનાગઢનાં લીસ્ટેડ બુટલેગર અને સંગઠીત ગુનાહીત ગેંગનાં લીડર વોન્ટેડ આરોપી રવી હમીરભાઈ ભારાઈની રાજસ્થાન રાજયનાં હનુમાનગઢ જીલ્લાનાં રાવતસર ગામેથી ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢની ક્રાઈમ બ્રાંચ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આ શખ્સ વિરૂધ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૬ જેટલા ગુનાઓ દાખલ થયેલ છે. આરોપીની અટક કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ લિસ્ટેડ બુટલેગર તથા સંગઠીત ગુન્હાહિત ગેગના લીડર વોન્ટેડ આરોપી રવિ હમીરભાઈ ભારાઈને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સપેક્ટરથી કૃણાલ એમ.પટેલ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાઓને સુચના કરેલ હોય જેના આધારે કાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. કૃણાલ એમ પટેલ દ્વારા સતત ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલ્સીજન્સ આધારે આરોપી રવિ ભારાઈની છુપાવવાની તમામ સંભવિત જગ્યાઓ તથા તેના સાગરીતોની તપાસ ચાલી રહી હતી. દરમ્યાન રવિ ભારાઈ રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ જીલ્લાના રાવતસર ગામ ખાતે હોવાની બાતમી મળતા તાત્કાલીક ક્રાઈમ બ્રાન્ચના પો.સ.ઈ. ડી.પી.ભાટી તથા પો.હેડ કોન્સ. પૃથ્વીરાજ વાળા પો.કોન્સ જેઠાભાઈ કોડીયાતર તથા દિવ્યેશભાઈ ડાભી તથા જયેશભાઈ બામણીયા નાઓની તાત્કાલીક ટીમ બનાવી રાજસ્થાન ખાતે રવાના કરી મજકુર આરોપી રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ જીલ્લાનાં રાવતસર ગામ ખાતેથી મળી આવતા હસ્તગત કરી અત્રે લાવી રજુ કરતા ધોરણસર કાર્યવાહી કરેલ છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લીસ્ટેડ બુટલેગર રવિ સ/ઓ હમીરભાઈ અરજણભાઈ ભારાઈ રબારી રહે. જુનાગઢ - ગાત્રાળ કૃપા" મકાન કસ્તુરબાગ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે. દોલતપરા હાલ રહે. ગાંધીગ્રામ, તેજસ સ્કુલની બાજુમાં, જૂનાગઢ વાળો પોતાના સાગરીતો સાથે મળીને હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ-દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર ફેર કરવા માટે ખોટા દસ્તાવેજાે બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ. આ ટોળકીના મુખ્ય સુત્રધાર રવિ હમીરભાઇ ભારાઇએ મોટો આર્થિક નફો મેળવવા ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઊભી કરેલાનું જણાઈ આવતા રવિ હમીરભાઇ ભારાઈ સહીત ૬ આરોપી વિરૂધ્ધ જૂનાગઢ જીલ્લાના શીલ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઈમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ-૪ ઈરામોને અટક કરવામાં આવી હતી.


