જૂનાગઢ શહેરમાં રસ્તાની અત્યંત ખરાબ હાલત : શહેરીજનો માટે ચોમાસુ આફતરૂપ બનશે ?
પાણી અને ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની સાફ સફાઈ થઈ ન હોવાને કારણે ઠેર ઠેર ગટરનાં પાણી ઉભરાવાની સમસ્યા, 28 વોકળામાંથી માત્ર 10 ટકા જ સફાઈની કામગીરી થઈ છે : વિપક્ષનો આક્ષેપ
જૂનાગઢ તા. 5
જૂનાગઢ શહેરમાં ગટર તથા પાણીની લાઈનનાં કામ માટે ખોદકામ કરવામાં આવેલા મોટાભાગનાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાના કારણે આગામી ચોમાસામાં રસ્તાઓ અને ગટરો શહેરીજનો માટે આફતનાં પડીકારૂપ બનશે. જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈનો તેમજ ગટરની કામગીરી અંતર્ગત પાઈપલાઈનો જયાં બીછાવવામાં આવેલી છે ત્યાં પાણીની પાઈપ લાઈન અને ગટરની લાઈનોની ચેમ્બરો સાફ કરવામાં આવેલ ન હોય જેને લઈને આ પાઈપલાઈનોમાં ભરાઈ ગયેલા કચરાને કારણે લાઈનો બધી જામ થઈ જવી તેમજ અનેક જગ્યાએ લીક થવાને લઈને રસ્તા ઉપર ચોમાસા પહેલા જ નદીઓ વહેતી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.મનપા તંત્ર દ્વારા શહેરનાં મોટાભાગનાં વિસ્તારોનું સર્વે કરી તાત્કાલીક અસરથી એટલે કે ચોમાસા પહેલા જ ઝડપી રીતે પાણીની પાઈપ લાઈન અને ગટરની પાઈપલાઈનની સાફ સફાઈની કામગીરી પૂર્ણ કરવાની માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ મનપાનાં વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ 11 દિવસ પહેલા શહેરનાં તમામ વિસ્તારોની હાલત અંગેનો એક વિસ્તૃત પત્ર કમિશ્નરશ્રીને પાઠવ્યો હતો અને ચોમાસાને ધ્યાને લઈ પ્રિ-મોન્સુનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી અને માત્રને માત્ર 10 ટકા જેવી જ કામગીરી થઈ હોવાનું સામે આવ્યું છે. 90 ટકા કામગીરી હજુ બાકી રહેતી હોય તે કયારે પુરી થશે તે અંગે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે.
વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ કમિશ્નરને પાઠવેલા પત્રમાં 16 જેટલા મુદાઓનો સમાવેશ કરી તે અંગેની રજુઆતો કરી હતી. તા. 27-5-2026નાં પત્ર પાઠવ્યો હતો જેમાં ગટર તથા પાણી લાઈનનાં કામ માટે ખોદકામ કરેલા રસ્તાઓ ખૂબજ ખરાબ હોય જેને લઈને વાહનવ્યવહાર અને નાગરીકોને મુશ્કેલી પડી રહી છે આ તમામ રસ્તાઓમાં તાત્કાલીક મેટલ નાખી રોલીંગ કરી અને માર્ગ વ્યવસ્થિત બનાવવાની માંગણી કરી હતી આ ઉપરાંત મુખ્ય ભૂગર્ભ ગટરોની સમયસર સફાઈ હાથ ધરવામાં આવે જેથી વરસાદી પાણીનાં નિકાલમાં અવરોધ ન સર્જાય, ભૂગર્ભ ગટરનાં ઢાંકણા જામ થયા હોય તેની પણ સફાઈ અને જાળવણી કરવી, તેમજ ઢાળવાળા અને અગાઉના વર્ષોમાં જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હોય ત્યા વિશેષ સફાઈ અને ચેકીંગ કરવું તેમજ વરસાદી પાણીનાં નિકાલની ગટરનોની ચેમ્બરોમાં સફાઈ કરવી, ભૂગર્ભ ગટર ફેઈઝ-રમાં ઈન્ટર્નલ મુખ્ય રસ્તાઓ જેમાં 1 થી 15 વોર્ડનાં મુખ્ય રસ્તા ઉપર બનાવેલી ગટરોની પણ સફાઈ કરવાની માંગણી કરી હતી અને ચોમાસા પહેલા સફાઈ કરવામાં નહી આવે તો ગટરનું પાણી ઉભરાશે તેવી ચિંતા વ્યકત કરી હતી. દરમ્યાન મનપા વિરોધપક્ષનાં નેતા લલિત પણસારાએ જણાવેલ છે કે તેઓએ પત્ર દ્વારા સમગ્ર શહેરની વર્તમાન હાલત અંગે વાકેફ કરી ચોમાસાને લઈને કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી પુરતી કામગીરી થઈ નથી. જૂનાગઢ શહેરમાં આવેલા 28 વોકળાની સફાઈમાં માત્રને માત્ર 10 ટકા કામગીરી થઈ છે અને 90 ટકા કામગીરી બાકી છે. મોટાભાગની ગટરોમાં હજુ સુધી સફાઈ થઈ નથી જેને કારણે ચોમાસામાં ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમજ પાણીની પાઈપ લાઈન તેમજ ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની સફાઈ ન થવાને કારણે પણ ગટરો ઉભરાશે તેમજ વોકળાની સફાઈ હજુ થઈ નથી જાે આ કામ પુર્ણ થયા પહેલા જ ચોમાસુ શરૂ થઈ જશે તો લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડશે અને બેટ જેવી સ્થિતિ સર્જાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.


