જૂનાગઢ શહેર-જીલ્લામાં ભાદરવો ભરપુર : આણંદપુર ડેમ ઓવરફલો
- જૂનાગઢ જીલ્લાના ૧૦ તાલુકામાં સરેરાશ એક થી ચાર ઈંચ વરસાદ : નદી-નાળા-ડેમમાં નવા નીરની આવક - માણાવદર બે ઈંચ, જૂનાગઢ અડધો ઈંચ, ભેંસાણ પોણા ચાર ઈંચ, વિસાવદર સવા બે ઈંચ, મેંદરડા પોણા બે ઈંચ, કેશોદ એક ઈંચ, માંગરોળ બે ઈંચ, માળીયા હાટીના સાડા ત્રણ ઈંચ, ગિરનાર અઢી ઈંચ
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રવિવાર અને સોમવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને આખુ કૃષિ ચિત્ર હાલ પલ્ટાઈ જવા પામ્યું છે. મેઘરાજાના આગમન સાથે નવી આશાનો સંચાર થયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લાની વાત કરીએ રવિવારના દિવસે સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે ઝાપટાનું જાેર રહયું હતું અને બીજા દિવસે એટલે કે ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં તેમજ ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદ તુટી પડયો હતો. આ વરસાદના કારણે પર્વતીય પાણી કાળવા નદીમાં વહેતુ થયું હતું. અને કાળવા નદી બે કાંઠે થઈ હતી. દામોદરકુંડ તેમજ નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આણંદપુર ડેમ ઓવરફલો થયો હતો અને ગઈકાલે વિરોધ પક્ષના નેતા લલીત પણસારા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હસનાપુર ડેમમાં પણ પાણીની આવક થાય અને સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લામાં આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડેલા વરસાદ પર એક દ્રષ્ટીપાણ કરીએ તો માણાવદર ૪૦ મીમી, વંથલી ૪ મીમી, જૂનાગઢ ૧૩ મીમી, ભેંસાણ ૯૦ મીમી, વિસાવદર પ૭ મીમી, મેંદરડા ૩૮ મીમી, કેશોદ ર૧ મીમી, માંગરોળ ૪૭ મીમી, માળીયા હાટીના ૮૩ મીમી, ગિરનાર પર્વત પર ૬ર મીમી વરસાદ નોંધાયો છે. આજે પણ મેઘાવી માહોલ રહયો છે અને સવારથી હળવા ઝાપટા પડી રહયા છે અને સારો વરસાદ પડે તેવી આશા વ્યકત થઈ રહી છે.


