કમોસમી વરસાદને પગલે ઉત્પાદન ઘટતા જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં ‘મરચા’ની અછત સર્જાવાના એંધાણ

મસાલાની શરૂ થયેલી મોસમમાં ‘મરચા’નાં આસમાને પહોંચેલા ભાવોની ખરીદીમાં અસર

કમોસમી વરસાદને પગલે ઉત્પાદન ઘટતા જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં ‘મરચા’ની અછત સર્જાવાના એંધાણ

જૂનાગઢ તા. ૧૩
કમોસમી વરસાદને પગલે મરચાના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયેલો છે અને આગામી  એકથી દોઢ માસમાં જ મરચાની  અછત સર્જાઈ તેવી ભીંતિ વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મરચાના ભાવ આસમાને પહોંચતા તેની પણ અસર બજારોમાં પડી રહી છે. ઉનાળાની શરૂઆત એટલે મસાલા ભરવાની શરૂ થઈ એમ કહેવાય છે. લોકો આખા વર્ષનો ચાલે તેટલો ગરમ મસાલો ભરી લેતા હોય છે. મસાલાની સિઝનને ધ્યાને લઈ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ સહીતનાં લગભગ મોટા શહેરોમાં વેપારીઓ મંડપ બાંધી અને હળદર, મરચા, ધાણાજીરૂ, મેથી, રાય તેમજ તમામ પ્રકારના કઠોળ અને તજ, લવીંગ, બાદીયા, એલચી, મરી મસાલા માટે વેચાણ કેન્દ્રો શરૂ થયા છે. તેમાંય ખાસ કરીને મરચાનાં તો ભારે મોટા વેચાણ કેન્દ્રો શરૂ થતા હોય છે. આ વર્ષે પણ મસાલા માર્કેટ શરૂ થઈ ગઈ છે. મરચાનાં ભાવમાં ૩૦થી ૩પ ટકાનો વધારો જાેવા મળી રહયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રેશમપટ્ટો અને કાશ્મીરી મરચાનાં ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે. આ વધારો થવાનું  કારણ ઉત્પાદન ઓછું થયું છે. ખેતીમાં કુદરતી આફતોનો માર પડયો છે. વારંવાર કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતા માર્કેટમાં આવક ઓછી થઈ છે. માંગ સામે પુરવઠો ઓછો થતા ભાવો પણ વધ્યા છે અને આગામી  એકથી દોઢ મહીનામાંજ બજારમાં મરચાની અછત સર્જાઈ તેવી ભીંતિ સેવાઈ રહી છે.મરચાની વાત કરીએ તો ડબલ રેશમપટ્ટો મરચુ ૩પ૦થી ૪૦૦ ગત વર્ષનો ભાવ હતો જયારે આ વર્ષે પ૦૦થી ૬પ૦ ભાવ છે. કાશ્મીરી મરચું ૩પ૦થી ૮૦૦નો ગત વર્ષનો ભાવહતો આ વર્ષે ૭૦૦ થી ૧૭પ૦ જેવો ભાવ છે. રેશમપટ્ટો મરચું રૂા.રપ૦થી ૩પ૦ ભાવ ગત વર્ષે હતો જયારે આ વર્ષે ૩પ૦થી ૪પ૦ ભાવ છે. ગત વર્ષે સસ્તા ભાવે મળતું મરચું આ વર્ષે પ્રતિકિલો રૂા.ર૦૦થી રપ૦ વધુ મોંઘુ પડી રહયુું છે.  મરચાના ભાવોમાં ૩૦થી ૩પ ટકાનો વધારો થયો છે. તેની પણ અસર બજારોમાં થઈ રહી છે. મરચુ મોંઘુ દાટ બન્યું છે તેમજ અન્ય મસાલાનાં પણ ભાવો વધવાનાં કારણે તેની અસર આ વર્ષે મસાલા બજાર પર વર્તાઈ રહી છે.