જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં મંજુરી વગર ભૂતાવળ ડાયરો યોજાયો : જવાબદારો સામે કાર્યવાહી કયારે ?
જૂનાગઢ તા.25
જૂનાગઢના સોનાપુરી સ્મશાન ખાતે મંગળવારે રાત્રીના ભૂતાવળ ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી અને આખરે મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલીક અસરથી ભૂતાવળ ડાયરાને અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યો હતો. અને ભવનાથ વિસ્તારમાં તળેટી જવાના રસ્તે કલાકો સુધી ટ્રાફીકજામ રહ્યો હતો. અત્યંત આધારભૂત રીતે પ્રાપ્ત વિગત અનુસાર ભુતાવળ ડાયરો જાહેરમાં યોજવામાં આવ્યો હતો. પરંતુ ડાયરો યોજવા માટેની મંજુરી જ મળી ન હોવાનું પણ બહાર આવેલ છે. ત્યારે આ ડાયરો કોની મંજુરીથી યોજવામાં આવ્યો તે મોટો સવાલ આજે શહેરભરમાં ચર્ચાનો વિષય બનેલ છે.
સામાન્ય રીતે નિયમ એવો છે કે, જે-તે તંત્રના અધિકાર ક્ષેત્રમાં આવતા કોઈપણ વિસ્તારમાં જયારે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય, તો તેના માટે સંબંધિત તંત્રની અને પોલીસ તંત્રની પણ મંજુરી લેવામાં આવતી હોય છે.
તાજેતરમાં જ બનેલી એક ઘટનામાં સોનાપુરી સ્મશાન ખાતે યોજાયેલા ભૂતાવળ ડાયરાના કાર્યક્રમમાં કોની મંજુરી લેવામાં આવી ? તે મોટો પ્રશ્ન આજે ચર્ચાઈ રહ્યો છે. સોશ્યલ મિડીયાના માધ્યમથી જૂનાગઢ ખાતે સોનાપુરી સ્મશાન ખાતે ભૂતાવળ ડાયરો યોજવાનો કાર્યક્રમ અને સમય સહિતની વિગતો જારી કરવામાં આવી હતી. અને સોશ્યલ મિડીયામાં ફરતા આ મેસેજને કારણે લોકોને પણ ભારે ઉત્સુકતા રહેલી હતી અને નિર્ધારીત સમયે જ એટલે કે, જે મેસેજમાં સમય દર્શાવેલ હતો તે સમય પહેલા જ લોકોના ટોળે ટોળા ભવનાથ તરફ ઉમટી પડયા હતા અને એક તકે તો વ્યવસ્થા એટલી હદે કથળી ગઈ હતી કે, લોકોને પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરવા પડયા હતા. તળેટી જવાના રસ્તા ઉપર જ બરાબર ધમાચકડી ચાલતી હતી અને ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. માનવ મહેરામણની વચ્ચે ભૂતાવળ ડાયરાનો કાર્યક્રમ બેરોકટોક ચાલી રહ્યો હતો. દરમ્યાન ભવનાથ ખાતે જે અવ્યવસ્થા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તે અંગેની જાણ મોડે મોડે પણ પોલીસ તંત્રને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલીક અસરથી ભૂતાવળ ડાયરાને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો હતો. અને ભારે હોબાળો એક તકે મચી ગયો હતો. જાેકે, પોલીસે સમયસરની કામગીરીથી મામલો થાળે પડયો હતો. સવાલ એ ઉઠે છે કે, અગાઉથી સોશ્યલ મિડીયામાં ભૂતાવળ ડાયરાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સંબંધિત તંત્રનું ધ્યાન મોડે સુધી ત્યાં ખેંચાયુ ન હતું. એટલું જ નહીં ભૂતાવળ ડાયરો યોજવાનો છે તે અંગેની મંજુરી પણ કોર્પોરેશન તંત્રએ આપી ન હોવાનું પણ બહાર આવેલ છે. ત્યારે સોનાપુરી સ્મશાન ખાતે યોજાયેલ આ ડાયરો વિના મંજુરીએ યોજવામાં આવ્યો ? તે સવાલ પણ ઉઠવા પામ્યો છે. બીજી તરફ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું છે કે, કોઈપણ જાહેર કાર્યક્રમ યોજવો હોય તો તેની મંજુરી સંબંધીત તંત્રની લેવી પડે. છતાં આ નિયમોનું આ બનાવમાં સરેઆમ ઉલ્લંઘન થયું છે. ત્યારે ભૂતાવળ ડાયરાના આયોજકો સામે નિયમોનાં ઉલ્લંઘન સહિતના પગલા ભરાશે ખરા ? તેવો સવાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


