જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ધનતેરસથી ‘દિપોત્સવી પર્વ’ની ઉજવણીનો પ્રારંભ

આજે ધનતેરસ, શનિવારે કાળી ચૌદશ, રવિવારે દીપાવલી અને મંગળવારે નવું વર્ષ : તહેવારો ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે ધનતેરસથી ‘દિપોત્સવી પર્વ’ની ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ભરમાં આજથી દીપોત્સવનો પ્રારંભ થયો છે. આજે ધનતેરસનાં પર્વે લક્ષ્મી માતાજીનું પુજન તેમજ ધનવન્તરી ભગવાનની પુજા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. બીજી તરફ દીવાળી અને નવા વર્ષનાં પર્વની ઉજવણીનો પ્રારંભ થતા જ બજારોમાં ચમક-દમક અને ઝગારા મારતી રોશની વચ્ચે ઉજવણીનો પમરાટ શરૂ થતા જ એક ઉત્સાહમય માહોલ સર્વત્ર પ્રસરી ગયો છે. અપુરતો વરસાદ, મોંઘવારીનો માર તેમજ આર્થિક કટોકટી સહીતનાં પ્રશ્નોને થોડા દિવસ એક બાજુ રાખી દઈ લોકો ઉત્સાહભેર તહેવારોને ઉજવવા માટે સજજ બની ગયા છે. દીપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની શ્રૃંખલાનો આજે ધન તેરસનાં દિવસથી પ્રારંભ થતાજ ઉજવણીનો ધમધમાટ પ્રસરી ગયો છે.
તહેવારોનાં દિવસોમાં જૂનાગઢ શહેરમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળે છે. બજારોમાં લોકોની ચહલ-પહલ વધી છે. હવે તહેવારને અનુલક્ષીને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી થઈ રહી છે. ખાસ કરીને મુખવાસ, તોરણ, લાભ-શુભ, રંગોળી માટેના કલર, ઘર અને દુકાન માટે રોશની કરવા માટે ઈલેકટ્રીક લાઈટ સીરીઝો, કટલેરી સહીતની ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ધનતેરસ, તેમજ દીપાવલીનાં દિવસે લક્ષ્મીપૂજન, શારદા પૂજન માટેની જરૂરીયાત મુજબની ખરીદી, પૂજાપો, સફરજન, કેળા, દાડમ, સુકો મેવો, કાજુ, બદામ વગેરે ઉપયોગી વસ્તુઓની ખરીદી ઉપરાંત ભગવાનની પૂજા માટેની સામગ્રી પણ લેવામાં આવી રહી છે. આજથી લોકો ઘરઆંગણે તેમજ દુકાનોનાં સ્થળે આકર્ષક રંગોળીની શરૂઆત કરશે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરની બજારોને રોશનીથી ઝગમગાવી દેવામાં આવી છે. દેવ મંદિરોમાં પણ શણગાર અને લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે. સરકારી કચેરીઓ, ઐતિહાસિક ઈમારતોને પણ શણગાર સાથે ઈલેકટ્રીક લાઈટ, ડેકોરેશન કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરમાં દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોએ દર્શન માટે ભાવિકો સવાર સાંજ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દીપાવલી અને નૂતન વર્ષે તહેવારો તેમજ ગ્રાહકોની માંગને ધ્યાને લઈ ફરસાણ અને મીઠાઈનાં વેપારીઓ, ડેરી ફાર્મ વગેરેમાં મીઠાઈ અને ફરસાણની વિવિધ વેરાયટીઓ બનાવવામાં આવી છે. કાજુ કતરી, થાબડી, પેંડા, કેસર પેંડા, સોનપાપડી સહીતનાં દુધ અને મલાઈની મીઠાઈની વેરાયટી જયારે ફરસાણમાં સેવ, ગાંઠીયા, ચવાણુ, કચોરી, ભાવનગરી ગાંઠીયા, ચંપાકલી, મીઠા સાટા, મોરા સાટાની પણ સારી માંગ રહે છે. આજથી જ દીપાવલીનાં તહેવારોની શ્રૃંખલાનો પ્રારંભ થતા જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.