જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં લોહાણા રઘુવંશી સમાજ દ્વારા નાગપાંચમની ઉજવણી : નાગદેવતાનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં લોહાણા રઘુવંશી સમાજ દ્વારા નાગપાંચમની ઉજવણી : નાગદેવતાનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢ વદ પાંચમનાં દિવસે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા નાગપાંચમની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. નાગદેવતાનું પૂજન સહીતનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં નાગપાંચમ પર્વ પ્રસંગે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા નાગદેવતાનું પૂજન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આજે પ્રાચીન પરંપરા અને પધ્ધતિ મુજબ નાગદેવતાનું પૂજન કરવામાં આવેલ હતું. લોહાણા રઘુવંશી સમાજનાં આસ્થાનાં પ્રતિક એવા નાગપાંચમનાં આ પર્વે સવારમાં જ નાગદેવતાનું પૂજન કરવામાં આવેલ હતું. લોહાણા રઘુવંશી સમાજનાં બ્રહ્મ પરીવારનાં ગોરાણીમા દ્વારા પૂજનવિધિ કરાવવામાં આવી હતી. માટી અને ગોબરથી બનાવેલા નાગદેવતાનું સ્થાપન કરાયું હતું અને ત્યારબાદ નાગદેવતાને દુધની સાથે આગલા દિવસે એટલે કે રવીવારે પલાળેલા ફણગાવેલા મગ, ચણા અને બાજરો સહીતનાં ધાન્ય અને અબીલ ગુલાલ કંકુનાં નાગલા ચડાવી લોહાણા રઘુવંશી પરીવારનાં બહેનોએ નાગદેવતાની પૂજનવિધિ કરી હતી. જૂનાગઢ શહેરમાં જલારામ ભકિતધામ ખાતે તેમજ નાગદેવતાનાં મંદિરોએ તેમજ માલબાપાનાં મંદિરે આજે પૂજન સહીતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આજે નાગદેવતાનાં પૂજન બાદ મહિલાઓ ઠંડુ ભોજન કરી અને નાગપંચમીનું પર્વ મનાવવામાં આવી રહયું છે. તેમજ પરીવારનું કલ્યાણની પ્રાર્થના નાગદેવતાને કરવામાં આવી હતી.