જૂનાગઢ મનપાનું વધુ એક ગતકડું : તમામ વાહનોમાં જીપીએસ સીસ્ટમ લાગુ કરાશે
રૂા. ૩૮.પ૮ લાખનાં પ્રોજેકટને સ્થાયી સમિતિ દ્વારા મંજુરીની મહોર
જૂનાગઢ તા. રર
જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની તાજેતરમાં બેઠક મળી હતી આ બેઠકમાં તમામ વાહનોમાં જીપીએસ સીસ્ટમ નાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને જેની પાછળ રૂા. ૩૮.પ૮ લાખનો ધુમાડો કરવામાં આવશે તેવો અંદાજ છે.
મનપાનાં સત્તાધિશોનાં નાણાંના બેફામ દુરૂપયોગનો વધુ એક ખેલ બહાર પડતા તેની સારી એવી ચર્ચા ઉઠવા પામી છે.
શહેરના પ્રાથમિક પ્રશ્નો અને બિસ્માર રસ્તાઓની સમસ્યાઓ ઉકેલવાને બદલે માત્ર ફંડનો દુરૂપયોગ થાય તેવા ટેન્ડરો અને ર્નિણય પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે, મનપાના અગાઉના અનેક પ્રોજેક્ટ્સ નિષ્ફળ ગયા છે છતાં ફરી એકવાર કરોડો અને લાખો રૂપિયાના આંધણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વહીવટી કર્મચારીઓના કરાર વધારીને પોતાના માનીતાઓને સાચવવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.
વધુમાં મધુરમ વિસ્તારના હોકર્સ ઝોનમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ૫ થડા અનામત રાખવાનો ર્નિણય કરાયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરમાં મૂળ હોકર્સ ઝોનની નીતિ જ ખોરંભે પડી છે. સામાન્ય ધંધાદારીઓ અને નાના ફેરિયાઓ શેરી-રોડ પર રઝળે છે ત્યારે આ પ્રકારના ર્નિણયો માત્ર સરકારી યોજનાઓના પ્રચાર અને વાહવાહ મેળવવા પૂરતા જ સીમિત રહે છે. દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટીમાં તમામ વાહનોમાં જીપીએસ સીસ્ટમ નાખવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર વિભાગનાં વાહનોમાં જીપીએસ ટ્રેકીંગ સીસ્ટમ અને સબક્રિપ્શન સીસ્ટમ માટે
રૂા. ૩૮.પ૮ લાખ સુધીનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં મનપાનાં ડોર ટુ ડોર કચરાનાં વાહનો અને અન્ય વાહનોમાં મુકાયેલા જીપીએસ સીસ્ટમ માત્ર કાગળ ઉપર ચાલતા હોવાનાં ગંભીર આક્ષેપો થયા છે. ટેકનોલોજીનાં નામે પ્રજાના ટેક્ષનાં નાણાં ખાનગી એજન્સીઓનાં ખીસ્સામાં સરકાવાનું એકમાત્ર ઉદેશ હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે.


