જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ભાવભેર ઉજવણી

શનિદેવનાં મંદિરોમાં સવારથી જ વિશેષ પૂજા-અર્ચનાનાં કાર્યક્રમો-ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આજે શનિ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ શનિદેવનાં મંદિરોમાં પૂજન, અર્ચન સહીત વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શનિવાર અને અમાસનાં શુભ સમન્વય સાથે શનિવાર અને શનિ અમાસનો દુર્લભ યોગ સર્જાયો છે અને આજરોજ શનિ જયંતિનાં અવસરની ભવ્ય અને ભાવપુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. પંચાગ મુજબ જેઠ વદ અમાસનાં આજે શનિવારે સવારે પ-૦૦ વાગ્યાથી મોડી રાત્રીનાં ૧૦.૩૦ વાગ્યા સુધી રહેશે. આજે વટસાવિત્રી વ્રતનો પણ યોગ બન્યો છે. શનિ જયંતિ નિમિત્તે આજે એકલા જૂનાગઢ જ નહીં પરંતુ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને દેશભરનાં શનિદેવનાં મંદિરોમાં તેલ અભિષેક, દીપદાન અને વિશેષ આરતીનાં કાર્યક્રમો યોજાઈ  રહયા છે. આજે સાંજથી રાત્રી દરમ્યાન ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડશે. દરમ્યાન જૂનાગઢમાં શનિ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોલેજ રોડ ઉપર આવેલા ભુતનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજતા ભગવાન શનિદેવનાં મંદિરે આજે સવારથીજ પૂજન, અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા છે. આ ઉપરાંત ભવનાથ ખાતે આવેલા ભગવાન શનિદેવનાં મંદિરે પણ શનિ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શનિ જયંતિ નિમીત્તે વિશેષ પૂજન, અર્ચન, પ્રસાદ, ભોજન સહીતનાં કાર્યક્રમો મહંત પૂ.તુલસીદાસ બાપુનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહયા છે. અને ભાવિકો ધાર્મિક કાર્યનો લાભ લઈ રહયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ભાણવડ તાલુકામાં હાથલા ગામ પાસે શનિદેવનું જન્મ સ્થળ હોવાની શ્રધ્ધાળુઓની આસ્થા છે. જયારે મહારાષ્ટ્રનું શનિ શીંગણાપુર વિશ્વ પ્રસિધ્ધ શનિધામ તરીકે  જાણીતું છે. શનિ જયંતિ નિમિત્તે આ બંને સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ૧૩ વર્ષ પછી શનિદેવ જયંતિ, શનિ અમાવસ્ય અને શનીવારનો સંયોગ સર્જાયો છે. ભકતજનોએ 'ૐ શનેશ્વરાય નમ :' ના મંત્ર જાપ કરવા જાેઈએ. આ ઉપરાંત સુર્યાસ્ત પછી પીપળાનાં ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરી પીપળાની પ્રદક્ષિણા કરવી જાેઈએ. તેમજ આજના દિવસે ઉપર જણાવેલી વસ્તુઓનું દાન, સુર્યાસ્ત બાદ ગરીબો, શ્રમીકો, અંધ-અપંગ, વૃધ્ધોને કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત હનુમાનજી દુર્ગા, અને ભગવાન શિવની પૂજા કરવાથી શનિ પીડામાંથી મુક્તિ મળે છે.  વિશેષમાં શનિ અમાવસ્ય હોવાથી પિતૃદોષ માટે ઉત્તમ દિવસ છે. નાન્દીશ્રાધ્ધ, નારાયણ બલી કે પિતૃતર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. દરમ્યાન આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ખુબજ ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.