માવઠા દ્વારા કુદરતે ચેતવણી આપી દીધી...!!! જૂનાગઢમાં યુધ્ધના ધોરણે માર્ગોની કામગીરી નહીં કરવામાં આવે તો ભયંકર સ્થિતિ નિર્માણ થશે

શહેરના ૩પ કિમી કરતા પણ વધારે વિસ્તારના રસ્તાઓ ખોદેલા છે : સમયસર પુરા નહીં થાય તો ચોમાસુ આંબી જતા વાર નહીં લાગે : લલીત પણસારા

માવઠા દ્વારા કુદરતે ચેતવણી આપી દીધી...!!!  જૂનાગઢમાં યુધ્ધના ધોરણે માર્ગોની કામગીરી નહીં કરવામાં આવે તો ભયંકર સ્થિતિ નિર્માણ થશે

જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ શહેરમાં ૩પ કિમી કરતા પણ વધારે વિસ્તારમાં રસ્તાઓ ખોદેલા પડયા છે અને ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે આ રસ્તાના કામો વહેલી તકે પુરા કરવા માટે કોર્પોરેશન દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં નહીં આવે તો ફરી એકવાર જૂનાગઢ શહેરના લોકોને રસ્તાના પ્રશ્ને ભારે મોટી હાલાકી ભોગવવી પડે તેવી દહેશત વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરપાલીકાના વિરોધપક્ષના નેતા લલીત પણસારાએ જૂનાગઢ શહેરના લોકોની પ્રાથમિક જરૂરીયાતો ખાસ કરીને રસ્તા સહિતની માંગને કોર્પોરેશન તંત્ર અને શાસકો પુરેપુરી સંતોષી શકતા નથી અને રસ્તાનું ડીંડવાણુ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. અને રસ્તા અંગેના કામોમાં જાે ઝડપ રાખવામાં નહીં આવે તો ચોમાસાને આંબી જતા વાર નહીં લાગે તેવી ભીતિ વ્યકત કરી છે. ગઈકાલે બપોરબાદ હવામાનમાં અચાનક પલ્ટો આવતા ભારે વરસાદ તુટી પડયો હતો અને જેને લઈને શહેરના રસ્તાઓની હાલત ફરીએકવાર અત્યંત બિસ્માર બની ગઈ છે. આવા સંજાેગોમાં નગરજનોની પરેશાની વધી છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા કયારે રસ્તાના કામોને પૂર્ણ કરવામાં આવશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

આ દરમ્યાન વિરોધપક્ષના નેતા લલીત પણસારાએ તિવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, રસ્તાના કામો માટેની ગ્રાન્ટની ફાળવણી સરકાર તરફથી થતી રહે છે તેમ છતાં રસ્તાના કામો ચોક્કસ મર્યાદામાં પુરા થતા નથી. રસ્તાના કામો માટેની જે કાંઈ પ્રોસીજર કરવાની હોય તે પુરી થઈ હોવા છતાં પણ રસ્તા બનાવવામાં આળસ અને ઢીલ શા માટે છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. વિશેષમાં રૂા.ર૭૦ કરોડના રસ્તાના કામોની સામે કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા વોર્ડ દીઠ રૂા.૧.પ કરોડ ફાળવવામાં આવેલ છે. અને આ રકમ અપૂરતી છે અને રસ્તાના પુરેપુરા કામો કોઈપણ વોર્ડમાં પુરા થઈ ન શકે. તેવી દહેશત પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત શાંતેશ્વર વિસ્તારની વાત કરીએ તો શાંતેશ્વર રોડ દોઢ કિમીનો રસ્તો બનાવવાનો થાય છે. પરંતુ આ કામગીરી પુરી કરતા બે માસથી પણ વધુ સમય લાગી શકે તેમ છે. તાત્કાલીક ધોરણે કામ કરે તો પણ આટલો સમય તો લાગે જ. વધુમાં લલીત પણસારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં એક સર્વે કરવામાં આવે તો ૩પ કિમી કરતા વધારે વિસ્તારના રસ્તા ખોદેલા પડયા છે અને ત્યાં રસ્તાના કામો બાકી છે. કમોસમી વરસાદ અને માવઠુ વરસાવી કુદરતે મનપાના શાસકોને ચેતવણી આપી છે કે, તમે ચેતી જાવ નહીંતર ચોમાસુ હવે પહોંચી જતા વાર નહીં લાગે અને આ ચેતવણીને મનપાના શાસકો સમજી અને યુધ્ધના ધોરણે જૂનાગઢ શહેરના રસ્તાઓના કામ પુરા કરે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.