જીયોના આઈપીઓને સેબીની લીલીઝંડી : કમાણીની તક
ર૭ કરોડ નવા શેર બહાર પાડશે : દિવાળી આસપાસ આઈપીઓ આવશે : રૂા.૩૭,૭૦૦ કરોડ એકત્ર કરાશે
મુંબઈ તા.૨૯
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ અને ટેલિકોમ શાખા, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના IPOને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. સેબીએ આજે ૨૮ ઓગસ્ટે આ અંગેની જાણકારી આપી.
તે સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જના ઓફિશિયલ પોર્ટલ પર પણ જિયોના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસનું સ્ટેટસ ‘એપ્રુવ્ડ‘ દેખાવા લાગ્યું છે. જોકે, હજુ એ નક્કી નથી કે IPO માર્કેટમાં ક્યારે આવશે. પરંતુ, જાણકારોનું અનુમાન છે કે દિવાળીની આસપાસ તેને લોન્ચ કરી શકાય છે.
આ વર્ષે ૧૯ જૂને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૯મી ર્વાષિક બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની જિયો પ્લેટફોર્મ્સનો IPO પણ લાવવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે કંપની ૨૭ કરોડ નવા શેર જાહેર કરશે અને IPO દ્વારા લગભગ ૪ બિલિયન ડોલર એટલે કે ૩૭,૭૦૦ કરોડ એકત્ર કરવાની યોજના છે.
આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. જોકે, શેરની કિંમત શું રહેશે તેની માહિતી આપવામાં આવી નથી. આ IPOની જાહેરાત ગયા વર્ષની AGMમાં પણ કરવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.


