દિલ્હી બાદ હવે બિહારમાં અગ્નિકાંડ : હોસ્પિટલમાં આગ લાગતા 10ના મોત
(એજન્સી) મુઝફફરપુર,તા.4 :
ગઈકાલે દિલ્હીના માલવિય નગરમાં હોટલમાં સર્જાયેલા અગ્નિકાંડની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે બિહારમાં એક હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. બિહારના મુઝફફરપુરમાં આજે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ગભરાટ ફેલાયો હતો. મુઝફફરપુર જિલ્લાની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલના પાંચમા માળે સ્થિત ICUમાં વહેલી સવારે 3 વાગ્યે આગ લાગી હતી. આગનું કારણ શોર્ટ સકિર્ટ હોવાની શંકા છે. આગના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ આગ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, પ્રસાદ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICUમાં શોર્ટ સકિર્ટથી આગ લાગી હતી. થોડીવારમાં આગ ઝડપથી તીવ્ર બની અને જે ભીષણ આગમાં ફેરવાઈ ગઈ. એવી આશંકા છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અને ફાયર વિભાગની ટીમો હાલમાં શોધખોળ કામગીરીમાં રોકાયેલી છે. સ્થાનિક પોલીસથી લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ ફાટી નીકળતાની સાથે જ સમગ્ર હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ICUમાં દાખલ દર્દીઓ અને તેમના સંબંધીઓ તરફથી મદદ માટે ચીસો અને બૂમો સંભળાઈ રહી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો; જોકે, ધુમાડો ઝડપથી આખા ફલોર પર ફેલાઈ ગયો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં નોંધપાત્ર અવરોધ ઉભો થયો. બચાવ પ્રયાસો સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકે ત્યાં સુધીમાં, ઘણા લોકોના જીવ ગયા હતા.


