દેવભૂમિ દ્વારકામાં પેટ્રોલ-ડીઝલની તંગીથી યાત્રિકો-સ્થાનિકોની પંપ પર લાગી કતારો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા યાત્રિકો તેમજ સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ જતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. યાત્રાધામ દ્વારકામાં શનિવાર અને રવિવારની રજાઓને કારણે મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા છે. પરંતુ ઈંધણ ખૂટી પડતા અનેક પ્રવાસીઓના વાહનો અટવાઈ ગયા છે અને મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો છે.


