દેશના 161 મુખ્ય જળાશયોમાં જળ સ્તર ઘટીને માત્ર 28 ટકા થયું

દેશના 161 મુખ્ય જળાશયોમાં જળ સ્તર ઘટીને માત્ર 28 ટકા થયું

મુંબઈ તા.22
દેશમાં નબળા ચોમાસાની સૌથી પહેલી અને માઠી અસર દેશના વરસાદ આધારિત ખેતી કરતા રાજ્યો પર પડી રહી છે. હવામાન વિભાગ અને કૃષિ મંત્રાલયના ડેટા મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદ આધારિત ખેતીનો મોટો વિસ્તાર હોવાથી ત્યાં ચોમાસાની અનિયમિતતા બહુ મોટું નુકસાન કરી શકે છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ, જૂન મહિનાના મધ્યમાં દેશના 161 મુખ્ય જળાશયોમાં આશરે 50 અબજ ઘન મીટર (બીસીએમ) પાણી જ બચ્યું છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર 28 ટકા છે. ગત વર્ષે આ જ સમયે આ આંકડો 37 ટકા હતો. હાલનું જળસ્તર છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા પણ નીચું છે.
નબળા ચોમાસાની શરૂઆતને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં પાણીનો ઘટાડો વધુ તીવ્ર છે. સૂકા મહિનાઓમાં પીવાનું પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદન આ જળાશયો પર ર્નિભર હોવાથી સ્થિતિ વિકટ બની શકે છે. બીજી તરફ ભારતનો 60 ટકા સિંચાઈ વિસ્તાર અને 85 ટકા ગ્રામીણ પીવાનું પાણી ભૂગર્ભ જળ પર આધારિત છે, પરંતુ સતત વધુ પડતા પાણીના ખેંચાણને કારણે અનેક જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પણ ગંભીર દબાણ હેઠળ છે.