નરસિંહ મહેતા સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૯
નારી તું નારાયણી, તું શક્તિ અપરંપાર, તું માતા તું બેટી બની, જીવન રક્ષક આધાર. પત્ની રૂપ જીવન સંગીની, શક્તિ તું સાક્ષાત, બ્રહ્માંડની તું આધશક્તિ માઁ, જન્મે જીવ પાલનહાર. દરેક નારી શક્તિને કોટિ કોટિ વંદન જેવા સુત્રો સાથે નવતર અભિગમ અને સુંદર આયોજન સાથે ગઈકાલે વહેલી પરોઢે નરસિંહ મહેતા સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ૮મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આમ તો આપણા સનાતન ધર્મમાં નારી માટે યુગોનું વર્ણન છે પરંતુ વૈશ્વિક રીતે આજના દિવસે નારીને એના ત્યાગ અને ભાવના બદલ બિરદાવવાનો અવસર છે. આવા શુભદિને જૂનાગઢના નવનિમિર્ત અને પ્રસિદ્ધ નરસિંહ મહેતા સરોવર ખાતે જૂનાગઢના અગ્રગણ્ય મહિલાઓ, યોગકર્મીઓ, મહિલા ડોક્ટર્સ, રાજકીય મહિલા આગેવાનો, મહિલા કોર્પોરેટરો, મહિલા અધિકારીઓ, ટ્રાફિક બ્રિગેડના મહિલા કર્મીઓ, મહિલા શિક્ષિકાઓ, સ્વરછતા સૈનિક બહેનો, જેવા નામી અનામી પોતાનું કાર્ય કરીને સમાજને જીવંત બનાવનારા નારી પાત્રોને સન્માનવાનો એક અદ્ભુત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ડો. શ્રુતિબેન તેજસભાઇ પરમાર, અગ્રણી જ્યોતિબેન વાછાણી, મહિલા મોરચાના પ્રભારી અને શહેર સંગઠન ઉપપ્રમુખ જ્યોતિબેન વાડોલિયા, મહિલા મોરચાના પ્રમુખ આરતીબેન જોશી, અગ્રણી મહિલા ડોક્ટર તથા શહેર ભાજપા પ્રમુખ ડો.કિંજલબેન સતાશિયા, મહિલા કોર્પોરેટરો, મહાનગર પાલિકા, જૂનાગઢના મહિલા અધિકારીઓ તથા કર્મચારીઓ, ગુજરાત યોગ બોર્ડની બહેનો, વિશેષ કાર્ય કરતા મહિલાઓસૌને નરસિંહ મહેતાજીની પ્રતિમા પાસે સરોવરમાં એન્ટ્રી ગેટ પર ગુલાબનું પુષ્પ અને સાથે મનપા - જૂનાગઢ દ્વારા તૈયાર કરાયેલ બેજ અર્પણ કરી આંતરરાષ્ટ્રીય મહિલાદીનની ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે તળાવે ચાલવા આવતા મહિલાઓ, યોગકર્મી મહિલાઓ આ ગિફ્ટને આવકારી અને વહેલી પરોઢના મહિલાદિન નિમિતે મળી શુભેચ્છાઓને અંત:કરણ પૂર્વક આવકારી અને બિરદાવી હતી. મહાનગરપાલિકા જૂનાગઢના સર્વે પદાધિકારીઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર સર્વે મહિલા બહેનોનો આ તકે આભાર માન્યો હતો અને નારી તરીકે શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ રાષ્ટ્ર અને શ્રેષ્ઠ વિશ્વ બનાવવાના ભગીરથ કાર્યમાં મહિલાઓનો પણ સહયોગ ઉત્તમ રહે એવી આશા વ્યક્ત કરી હતી.


