પ્રમુખ પદ અનુ. જાતિ માટે અનામત હોય, ભેસાણ તાલુકા પંચાયતમાં જીત આપની થઈ પરંતુ પ્રમુખ ભાજપનાં બનશે

પ્રમુખ પદ અનુ. જાતિ માટે અનામત હોય, ભેસાણ તાલુકા પંચાયતમાં જીત આપની થઈ પરંતુ પ્રમુખ ભાજપનાં બનશે

જૂનાગઢ તા. ર૯
સ્થાનીક સ્વરાજયની ગત તા.26 એપ્રીલે યોજાયેલી ચુંટણીઓનાં ગઈકાલે તા.28 એપ્રીલે પરીણામ જાહેર થયા છે, ત્યારે ખાસ કરીને જૂનાગઢ જીલ્લામાં નવા રાજકીય સમીકરણો ઉદય પામ્યો છે. એટલું જ નહી કેટલીક ટેકનીકલ બાબતોને લઈને પણ વિજેતા પાર્ટીને શાસન માટે ભારે મથામણ કરવી પડે તેવા સંજાેગો નિર્માણ થયા છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપ અને આપ બંને પક્ષોને 9-9 બેઠકો મળતાં ટાઈ સર્જાણી છે અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં કોનુ શાસન આવશે તે બાબતે ભારે તડજાેડ થશે તેવું મનાય છે તો બીજી તરફ ભેંસાણ તાલુકા પંચાયતની ચુંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હોવા છતાં પણ પ્રમુખ પદે ભાજપનાં ઉમેદવાર આવશે અને તેને લઈને પણ સારી એવી ચર્ચા જગાવી છે.
આ અંગે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતની ચુંટણીમાં વિચિત્ર પરીણામ આવ્યું છે. અહીં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 16 માંથી 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે સત્તાધારી ભાજપને ફાળે માત્ર 3 બેઠકો જ આવી છે.
જાેકે, આટલી પ્રચંડ બહુમતી છતાં આપ સત્તાથી વંચિત રહેશે. તેનું મુખ્ય કારણ અનામત બેઠકનું ગણિત છે. ભેસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ આ વખતે અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત રાખવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિના ઉમેદવાર આ ચૂંટણીમાં હારી ગયા છે. જેના કારણે 13 સભ્યો હોવા છતાં તેમની પાસે પ્રમુખપદ માટે કોઈ યોગ્ય ઉમેદવાર બચ્યો નથી. બીજી તરફ, ભાજપના જે 3 ઉમેદવારો જીત્યા છે, તેમાં ભીખાભાઈ મકવાણા અનુસૂચિત જાતિના એકમાત્ર પ્રતિનિધિ છે. કાયદાકીય જાેગવાઈ મુજબ, પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના સભ્યને જ બેસાડવા ફરજીયાત હોવાથી, ભાજપના ભીખાભાઈ મકવાણાનો માર્ગ મોકળો બન્યો છે. આમ, જનતાએ ભલે આપને બહુમતી આપી, પણ ટેકનિકલ કારણોસર ભાજપને બેઠાં-બેઠાં લોટરી લાગી છે અને વિપક્ષમાં હોવા છતાં શાસન ભાજપના હાથમાં જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં રાજકીય વર્તુળોમાં તેની ભારે ચર્ચા થઈ રહી છે.