પવિત્ર શહેર મક્કા નજીક સઉદીએ ડ્રોન તોડી પાડયું : હુતીઓએ હુમલાનો ઈન્કાર કર્યો
મક્કા તા.૧૬
સાઉદી અરબના એર ડિફેન્સ સિસ્ટમે મંગળવારે મક્કાના દક્ષિણમાં એક હુતી ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધું. સાઉદી નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને બુધવારે જણાવ્યું કે ડ્રોનને મક્કાના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં દાખલ થતા પહેલા જ તોડી પાડવામાં આવ્યું હતું. સૈન્ય ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળો અને યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરબ માટે રેડ લાઇન છે. તેમણે કહ્યું કે ગઠબંધન હુતીઓ વિરુદ્ધ જરૂરી પગલાં લેશે.
જ્યારે હુતી ઉગ્રવાદીઓએ મક્કા કે બીજા પવિત્ર સ્થળોને નિશાન બનાવવાની વાતનો ઇનકાર કર્યો છે. હુતીઓની સમાચાર એજન્સી SABA અનુસાર, સંગઠનથી મક્કા કે અન્ય પવિત્ર સ્થળોને કોઈ ખતરો નથી.
મંગળવારે સાઉદી અરબના ઘણા વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યા. તેમાં મક્કા અને અન્ય શહેરોનો સમાવેશ થતો હતો. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો, જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ઈરાન સર્મથિત ઉગ્રવાદીઓનાં હુમલાઓ પછી સાઉદી અરબ ક્ષેત્રીય સંઘર્ષથી વધુ પ્રભાવિત થયું છે.


