દેશના ૬ રાજયોમાં એસઆઈઆરની સમયમર્યાદા વધારાઈ  દિલ્હીમાં અંતિમ મતદાર યાદી રર ડીસેમ્બરે પ્રસિધ્ધ થશે

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વેધક સવાલ પુછયો - “અત્યારે ચૂંટણી નથી તો આટલી ઉતાવળ શા માટે ?”

દેશના ૬ રાજયોમાં એસઆઈઆરની સમયમર્યાદા વધારાઈ  દિલ્હીમાં અંતિમ મતદાર યાદી રર ડીસેમ્બરે પ્રસિધ્ધ થશે

નવી દિલ્હી તા.૩૦
ચૂંટણી પંચે ૬ રાજ્યોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું સમયપત્રક બદલ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં મતદારોને નામ ઉમેરાવવા, કઢાવવા અથવા કોઈ ગેરરીતિ અંગે દાવો-વાંધો નોંધાવવા માટે ચૂંટણીપંચે વધારાનો સમય આપ્યો છે.
બીજી તરફ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, તેલંગાણા અને નાગાલેન્ડમાં નોટિસોના નિકાલની સમયમર્યાદા વધારવામાં આવી છે. નવા સમયપત્રક મુજબ, મહારાષ્ટ્ર સહિત ૫ાંચ રાજ્યોમાં અંતિમ મતદાર યાદી ૩૦ નવેમ્બરે અને દિલ્હીમાં ૨૨ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
આ ફેરફાર સુપ્રીમ કોર્ટની તે ટિપ્પણી બાદ કરવામાં આવ્યો છે, જેમાં છૂટી ગયેલા મતદારોને દાવો-વાંધો નોંધાવવા માટે પૂરતી તક આપવા અને પ્રક્રિયામાં ઉતાવળ નહીં કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોર્ટે ૨૮ ઑક્ટોબરે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે આ રાજ્યોમાં અત્યારે ચૂંટણી નથી, તો પછી આટલી ઉતાવળ શા માટે?
SIRના ત્રીજા તબક્કામાં હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, દિલ્હી સહિત ૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR થઈ રહ્યું છે. આ દરમિયાન ૩૬.૭૩ કરોડ મતદારોની ચકાસણી કરવામાં આવશે. SIRના પ્રથમ અને બીજા તબક્કામાં ૧૦ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે.
ત્રીજા તબક્કામાં SIR થઈ રહેલા રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતદારો છે. દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાં મતદારોની સંખ્યા સૌથી ઓછી છે.