ઉના તાલુકાના નાદરણ ગામની સીમમાં ૯ વર્ષના બાળક ઉપર હુમલો કરનાર દીપડાને વન વિભાગે પાંજરે પુરી તપાસ માટે લઇ ગયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૩૦
ઉના તાલુકાના નાદરણ ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં મકાન બાંધી રહેતા સાર્દુલભાઈ બાબુભાઇ મેવાડાના પુત્ર ક્રિશ(ઉ.વ.૯)ને સાંજના સમયે ગત તા.૨૫-૧૦-૨૬ના ફળીયામાં રમતો હતો ત્યારે એક દીપડાએ તેમની ઉપર હુમલો કરી ગળાના ભાગે દાબોચી લઇ નાસ્તો હતો ત્યારે સાર્દુલભાઈ અને પરિવારજનોએ દીપડા પાછળ દોટ મૂકી હાકલા પડકાર કરતા દીપડો ક્રિશને છોડી નાસી ગયો હતો. ગળાના ભાગે ઇજા થતા ઉના હોસ્પિટલ સારવાર માટે ખસેડેલ હતા. ગીર પૂર્વ ધારી વન વિભાગ જશાધાર રેન્જની કચેરીના એ.સી.એફ. કપિલભાઈ ભાટિયા અને વન વિભાગની ટીમે બનાવ સ્થળ આજુબાજુ ચાર પાંજરા ગોઠવેલ હતા. જેમાં એક પાંજરામાં છ થી સાત વર્ષનો દીપડો પકડાઈ ગયો હતો. આ દીપડો બાળક ઉપર હુમલો કરેલ છે કે કેમ તેની તેમને તપાસ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવેલ છે. હજુ આ વિસ્તારમાં એક દીપડાના સગડ હોય તેને પકડવા પાંજરૂ ગોઠવેલ છે. વન વિભાગના અધિકારીએ જણાવેલ છે કે, ગીર જંગલ નજીક તેમજ ગ્રામ્ય વિસ્તારની સીમમાં વાડી, ખેતર ધરાવતા લોકોએ વાડીની આજુબાજુ ઝાડી ઝાંખારા કાપી ખુલ્લી જગ્યા કરવી અને બાળકોને એકલા રમવા ન મુકવા, વધેલો ખોરાક ખુલ્લામાં ન ફેંકવો, રાત્રીના બહાર નીકળવાનું ટાળવું વિગેરે સૂચના આપી હતી.


