બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું ચોમાસુ પુન: સક્રીય થવાની આશા
(એજન્સી)
નવી દિલ્હી તા.15:
હાલમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર ઉદ્ભવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન 7.6 કીમીની ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત તથા લાગૂ દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન પર 5.8 કિમીની ઉંચાઇએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે.


