‘બટવારા ૧૯૪૭’ની ઈવેન્ટમાં ‘પ્રીટી વુમન’ ગીત વગાડવા મુદ્દે વિવાદ, રૂ. એક કરોડની કાનૂની નોટિસ

PPLનો જરૂરી મંજૂરી વિના ગીત વગાડાયાનો આરોપ; આમિર ખાન પ્રોડક્શને કહ્યું- કાર્યક્રમનું આયોજન કે સંચાલન અમે કર્યું નહોતું

‘બટવારા ૧૯૪૭’ની ઈવેન્ટમાં ‘પ્રીટી વુમન’ ગીત વગાડવા મુદ્દે વિવાદ, રૂ. એક કરોડની કાનૂની નોટિસ

મુંબઈ, તા.૩૧
‘બટવારા ૧૯૪૭’ના પ્રમોશનલ કાર્યક્રમને લઈને કોપીરાઈટ વિવાદ સામે આવ્યો છે. ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ (PPL) દ્વારા આમિર ખાન પ્રોડક્શન, જુનૈદ ખાન અને નિખત ખાન હેગડેને રૂ. એક કરોડની કાનૂની નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નોટિસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે ૧૨ ઓગસ્ટના રોજ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સની દેઉલ અને પ્રીતિ ઝિન્ટાની હાજરીમાં ફિલ્મ ‘કલ હો ના હો’નું ‘પ્રીટી વુમન’ ગીત જરૂરી મંજૂરી લીધા વિના વગાડવામાં આવ્યું હતું.
PPLના દાવા મુજબ સંબંધિત મ્યુઝિક કંપની આ ટ્રેકના માલિકી હક્ક ધરાવે છે, જ્યારે PPL પાસે ૫૦૦થી વધુ સંગીત કંપનીઓ દ્વારા સોંપવામાં આવેલા જાહેર પરફોર્મન્સ સંબંધિત અધિકારો છે. આ મામલે લાગુ પડતી લાયસન્સ ફીની સાથે રૂ. એક કરોડની નુકસાનીની માગ કરવામાં આવી છે. નોટિસમાં સંબંધિત પક્ષોને પાલન કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.
PPLએ ચેતવણી આપી છે કે નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો સિવિલ કાર્યવાહી, મનાઈ હુકમ મેળવવાની કાર્યવાહી તેમજ કોપીરાઈટ કાયદા હેઠળ ફોજદારી ફરિયાદ જેવા કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.
બીજી તરફ આમિર ખાન પ્રોડક્શને આ મામલે પોતાની જવાબદારી નકારી છે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનું આયોજન કે સંચાલન તેમના દ્વારા કરવામાં આવ્યું નહોતું. કાર્યક્રમ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમના પ્રતિનિધિઓ માત્ર મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેથી કાર્યક્રમ દરમિયાન કયું સંગીત વગાડવામાં આવ્યું તેના પર તેમનું નિયંત્રણ નહોતું એવો તેમનો પક્ષ છે.
આ સાથે હવે સમગ્ર વિવાદમાં મુખ્ય પ્રશ્ન એ બન્યો છે કે ગીતના કથિત અનધિકૃત જાહેર પ્રદર્શન માટે કયા પક્ષની જવાબદારી નક્કી થાય છે.