બહાઉદ્દીન સરકારી કોલેજમાં યુવાઓને સહકારી ક્ષેત્રની સમજ આપવા તાલીમ વર્ગ યોજાયો
એક સપ્તાહના તાલીમ કાર્યક્રમમાં 56 વિદ્યાર્થીઓ જોડાયા, સહકાર વિષયક વકતૃત્વ સ્પર્ધામાં પાર્થકુમાર ચૌહાણ પ્રથમ
જૂનાગઢ, તા.૨૪
બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ ખાતે વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રની કામગીરી અને તેના મહત્વથી પરિચિત કરવાના હેતુથી એક સપ્તાહીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના સહયોગથી “યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ” યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં કૉલેજના કુલ 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ટ્રેઈનર આશ્લેષભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્ર સંબંધિત વિવિધ બાબતો અંગે તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને સહકારની વિચારધારા, તેની કામગીરી તેમજ સમાજ અને અર્થતંત્રમાં તેની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનો એક ભાગ તરીકે વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ અને વિષયની સમજ વિકસે તે માટે ‘સહકાર’ વિષય પર વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામમાં ચૌહાણ પાર્થકુમાર એસ.એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કરમુર નિશાએ દ્વિતીય જ્યારે શામળા કવિ જે.એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વકતૃત્વ સ્પર્ધા દરમિયાન કૉલેજના આચાર્ય ડૉ. જે.આર. વાંઝાએ અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર રાજયભાઈ ઠાકર, કૉલેજના વરિષ્ઠ અધ્યાપક ડૉ. પી.વી. બારસિયા, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢીયા, ટ્રેઈનર આશ્લેષભાઈ ત્રિવેદી અને સહાયક વિરલભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સમાપન પ્રસંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢિયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કપિલ પી. ઘોસિયાએ કર્યું હતું. તાલીમ વર્ગને સફળ બનાવવા માટે ડૉ. અશ્વિનભાઈ વિંઝુડા અને રીંકલબેન ચાંડેગરાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


