ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલ જેઠવાણી પર ઘાતક હથીયારો વડે હુમલો : ભાજપનાં જ કાર્યકર રામાભાઈ ગળચર સહીત ૩ સામે ગુનો દાખલ
આરોપીનાં પુત્ર ઉપર રીક્ષા પલ્ટી જતાં બંને પગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનો ખાર રાખી આરોપીએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું
જૂનાગઢ તા.7
જૂનાગઢ જીલ્લાની ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલભાઈ પિતાંબરભાઈ જેઠવાણી ઉપર ગઈકાલે બપોરનાં સમયમાં ભાજપનાં જ કાર્યકર રામાભાઈ ગળચર સહીતનાં ૩ શખ્સોએ ઘાતક હથીયારો વડે હુમલો કરી અને તેમને ગંભીર ઈજા પહોંચાડતા ભોગ બનેલ સુનિલભાઈ જેઠવાણીને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવનાં અનુસંધાને સુનિલભાઈ જેઠવાણીની ફરીયાદનાં આધારે ભાજપનાં કાર્યકર રામાભાઈ ગરચર સહીત ૩ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી અને તેમને ઝડપી લેવા માટે તપાસનાં ચક્રો ગતીમાન કરેલ છે. ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ ઉપર ભાજપનાં જ કાર્યકર દ્વારા હુમલાનાં બનાવનાં પગલે બાંટવા પંથકમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામેલ છે. આ હુમલા પ્રકરણનાં આરોપીઓને તાત્કાલીક અસરથી ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલી છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલે બપોરનાં સમયે બાંટવા ખાતે બનેલા એક બનાવમાં બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી ઉપર રામાભાઈ ગળચર અને તેમની સાથેની અન્ય વ્યકિતએ હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા સુનિલભાઈ જેઠવાણીને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન આ બનાવ અંગે બાંટવા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ વાધવાણી તેમજ પૂર્વ પ્રમુખ ગણપત મોરીએ એક નિવેદન જારી કરી રામા રાજા ગળચર દ્વારા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેને વખોડી અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. રામા રાજા ગળચર પણ ભાજપનાં કાર્યકર છે અને ભાજપનાં કાર્યકરે જ નગરપાલિકાનાં પ્રમુખ ઉપર હુમલો કરતા તેના ગંભીર પ્રત્યાઘાતો સર્જાયા છે. બાંટવા નગરપાલિકાની બેદરકારીને કારણે રામાભાઈનાં બાળક ઉપર રીક્ષા પલ્ટી ગઈ હતી અને બાળક ઈજાગ્રસ્ત થયો હતો તેનો વ્યકિગત ખાર રાખીને ઉપરોકત હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવેલ છે. દરમ્યાન આ બનાવના અનુસંધાને ગત મોડી રાત્રીનાં સુનિલભાઈ પીતાંબરભાઈ જેઠવાણી (ઉ.વ. 46)એ બાંટવા પોલીસ સ્ટેશનમાં રામાભાઈ રાજાભાઈ ગળચર, લખમણ ઉર્ફે ગોગો રાજાભાઈ ગળચર, અભિષેક રામાભાઈ ગળચર રહે. બધા બાંટવાવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદી બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ હોય અને આ કામના આરોપી નં.1 રામાભાઈ ગળચરનાં દિકરાને બાંટવા ભીમનાથ રોડ ઉપર રીક્ષા પલ્ટી મારી જતા આ બનાવમાં આરોપીનાં પુત્રને ઈજા થયેલ હોય જે બાબતનું મનદુ:ખ રાખી રામાભાઈ ગળચરે અગાઉ ફરીયાદીને ફોનમાં ભુંડી ગાળો આપેલ હોય તેમજ આરોપી નં.3 અભિષેક રામાભાઈ પાઈપ લઈને ફરીયાદીની ઓફીસે પણ ગયા હતાં. અને ગઈકાલે ફરીયાદી બાંટવા શાકમાર્કેટ પાસે પોતાની મોટર સાયકલ સાઈડમાં રાખી ફોન ઉપર વાત કરતા હતા તે દરમ્યાન આ કામના આરોપી રામાભાઈ રાજાભાઈ ગળચર છરી તથા આરોપી નં. 2 લખમણ ઉર્ફે ગોગો રાજાભાઈ ગળચર પાઈપ જેવા પ્રાણઘાતક હથીયારો લઈ આવી અને આરોપી નં.1એ છરી વડે ફરીયાદીને ડાબા હાથની કોણીના ભાગે તથા ડાબા પગની ઘુંટણના નીચેના ભાગે ઈજા કરી તેમજ આરોપી નં.1એ પોતાનાં દિકરાને ભીમનાથ રોડ ઉપર થયેલ અકસ્માતમાં ફ્રેકચર થયેલ હોય અને રૂા.60 હજારનો ખર્ચ થયેલ હોય તે પૈસાની ઉઘરાણી કરી તેમજ ફરીયાદીનું ખિસ્સુ ફાડી નાખી તેમાં રહેલ રૂા.12 હજારની લુંટ કરી તેમજ આરોપી નં. 1 થી 3નાએ ફરીયાદીને મોટર સાયકલમાંથી નીચે પછાડી અને આરોપી નં.1એ આરોપી નં.2 પાસેથી લોખંડનો પાઈપ લઈ લોખંડનાં પાઈપ વડે ફરીયાદીને આડેધડ માર મારી તથા આરોપી નં. 2 તથા 3નાઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી અને બંને પગના ઘુંટણનાં ભાગે તથા બંને હાથમાં તથા શરીરે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. તેમજ આરોપી નં. 1 તથા 2એ ફરીયાદી પાસે બાકીના પૈસાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડી ગાળો બોલી ગુનો કર્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે આ કામના આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ ક. 115(2), 117(2), 118(1), 118(2), 308(5), 309(6), 296(ખ), 351(3), 54 જીપીએકટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી. ચુડાસમા ચલાવી રહયા છે.
| અમારો શું વાંક ? રામાભાઈ ગળચરની પુત્રીની વ્યથા પોલીસ અમને હેરાન કરે છે રબારી સમાજ અમને મદદ કરે જૂનાગઢ તા. 7 ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી ઉપર ગઈકાલે પ્રાણઘાતક હુમલો થયો હતો અને આ હુમલા પ્રકરણમાં આરોપી તરીકે ભાજપનાં જ કાર્યકર રામાભાઈ રાજાભાઈ ગળચરે હુમલો કર્યો હોવાની સુનિલભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. તો બીજી તરફ ગઈકાલે આ બનાવના અનુસંધાને આરોપી તરીકે જેની સંડોવણી છે તેવા રામાભાઈ ગળચરની પુત્રીએ એવી વ્યથા મિડીયા સમક્ષ ઠાલવી હતી કે ‘‘મારા પપ્પાને કોઈ સાથે માથાકુટ થઈ છે, મારા પપ્પા અને કાકા કયાંક નીકળી ગયા છે. મારા ભાઈનો અકસ્માત થયો છે અને તે ઈજાગ્રસ્ત છે. અમે અત્યારે ઘરે એકલા પડી ગયા છીએ. પોલીસ અમને હેરાન કરી રહી છે અમારો વાંક શું ?’’ તેવી વ્યથા રજુ કરી હતી અને રબારી સમાજ અમને મદદ કરે તેવી વિનંતી આ બાળકીએ કરી છે. |


